ગુજરાત
News of Sunday, 26th May 2019

રાજયમાં હવે શેડ પ્રકારના બાંધકામ પર અંતે પ્રતિબંધ

સુરત આગકાંડ બાદ સરકારનો બહુ મોટો નિર્ણય : શેડ પ્રકારના બાંધકામોમાં જવલનશીલ મટિરિયલ-પદાર્થ વપરાતાં હોઇ તેનાથી આગ વધારે ઝડપથી લાગી જાય છે

અમદાવાદ, તા.૨૬  : સુરત આગકાંડની કરૂણાંતિકા બાદ હવે સમગ્ર રાજયમાં શેડ પ્રકારના બાંધકામો પર પ્રતિબંધ લગાવતો બહુ મહત્વનો નિર્ણય રાજય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજયમાં હવે શેડ પ્રકારના બાંધકામો દૂર કરવા અને તોડી નાંખવાની કામગીરી પણ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. કોમર્શીયલ કોમ્પલેક્ષ કે ઇમારતોમાં શેડ પ્રકારના બાંધકામોમાં જવલનશીલ મટીરીયલ અને પદાર્થ વપરાતાં હોઇ તેનાથી આગ વધુ પ્રસરતી હોઇ સુરક્ષાના કારણોસર હવે રાજય સરકારે આ બહુ મોટો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં રાજય સરકારના નિર્દેશાનુસાર, વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા સત્તાવાળાઓના અધિકારી ઓ તેમના ઝોન અથવા તો વિસ્તારમાં કોમર્શીયલ કોમ્પલેક્ષ અને ઇમારતોમાં સર્વે હાથ ધરશે અને શેડ પ્રકારના જે કોઇ બાંધકામ કે માળખા હશે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરશે. રાજય સરકારે શેડ પ્રકારના બાંધકામ અને વ્યવસ્થા પર પ્રતિબંધ ફરમાવતાં હવે કોઇપણ કોમર્શીયલ કોમ્પલેક્ષ, ઇમારત કે બિલ્ડીંગમાં ટેરેસ પર કે કોઇપણ પ્રકારના શેડ જેવા બાંધકામ કે માળખા ઉભા કરી શકાશે નહી. સરકારના નિર્ણયના પગલે આગામી દિવસોમાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં શેડ પ્રકારના બાંધકામો પર તવાઇ આવશે.  દરમ્યાન સુરત આગકાંડ મામલે શહેરી વિકાસ અગ્ર સચિવ તેમનો તપાસ અહેવાલ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સુપ્રત કરશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત આગકાંડ મામલે શહેરી વિકાસ અગ્ર સચિવને તપાસ સોંપી હતી અને ત્રણ દિવસમાં જ વિગતવાર તપાસ અહેવાલ માંગ્યો હતો. જેથી હવે શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવેઆ પ્રકરણમાં તેમની તપાસ પૂર્ણ કરી દીધી છે અને હવે આવતીકાલે તેઓ મુખ્યમંત્રી રૂપાણીને પોતાનો અહેવાલ સુપ્રત કરશે. જેના આધારે રાજય સરકાર આગળની કાર્યવાહી હાથ ધરશે.

(9:43 pm IST)