ગુજરાત
News of Saturday, 26th May 2018

વિકાસના નામ પર હરિયાળા ઘટાદાર વૃક્ષોનું નિકંદન થયું

રાત્રિના અંધકારમાં વૃક્ષછેદનથી લોકોમાં આક્રોશ : પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સરકાર સહિતના સત્તાવાળાઓ સામે સવાલ ઉઠાવાયા : વૃક્ષોનું નિકંદન ન કરવાનું સૂચન

અમદાવાદ,તા. ૨૬ : અમદાવાદ શહેરને ગ્રીન સીટી બનાવવાના બણગાં ફુકતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાલાઓના આવા પોકળ દાવાઓ વચ્ચે મેટ્રો રેલ પ્રોજેકટના ઓઠા હેઠળ ગઇકાલે મોડી રાત્રે શહેરના હેલ્મેટ સર્કલથી સ્ટેડિયમ રોડ સુધીના પટ્ટામાં રાત્રિના અંધકારમાં મોટાપાયે હરિયાળા ઘટાદાર વૃક્ષોનું આડેધડ છેદન કરી નાંખવામાં આવતાં પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. પ્રકૃતિ પ્રેમીઓએ મોટાપાયે વૃક્ષોના નિકંદનની ઘટનાને વખોડી કાઢતાં ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કે, પ્રકૃતિનો નાશ કરીને ઉભો કરાતો વિકાસ કેવો અને આવો વિકાસ કરીને પણ શું કરવાનું ? મેટ્રો રેલના પ્રોજેકટ હેઠળ છાશવારે વૃક્ષછેદન અને વૃક્ષોના નિકંદનને લઇ ખુદ અમ્યુકો સત્તાવાળાઓ અને મેટ્રો રેલ પ્રોજેકટના સત્તાધીશો અજાણ હોવાનો ડોળ કરીને સમગ્ર વિવાદ અંગે અજાણ બની રહ્યા છે, જેને લઇને સત્તાધીશોના આવા બેવડા વલણની પણ ભારોભાર ટીકા થઇ રહી છે. રાજ્ય સરકારના મહત્ત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેકટ માટે શહેરભરમાં ઠેર ઠેર લોખંડના પતરાંની આડશ મૂકીને રસ્તાને સાંકડા કરી દેવાય છે. જ્યાંથી મેટ્રો રેલ પસાર થવાની છે તે વિસ્તારના સર્વિસ રોડ બદતર હાલતમાં મુકાયા છે. હાઇકોર્ટ દ્વારા પણ વાહનચાલકોને માટે ભયજનક બનેલા આવા રસ્તાના રિપેરિંગ માટે સત્તાવાળાઓને વારંવાર ટકોર કરાય છે. તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેટ્રો રેલ દોડતી કરવા અમદાવાદને ગ્રીન સિટી બનાવવાનાં કુંકાતાં બણગાંની વચ્ચે આડેધડ રીતે લીલાંછમ વૃક્ષોનું નિકંદન કઢાઇ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા શહેરમાં મેટ્રો રેલ દોડતી કરવા મેટ્રો લિંક એકસપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિમિટેડની સ્થાપના કરાઇ છે. મેગા કંપની દ્વારા ગત તા.૧૪ માર્ચ ર૦૧પથી પ્રોજેકટના પ્રથમ તબક્કાનું ભૂમિપૂજન કરાયા બાદથી લાખો અમદાવાદીઓ ચાતક ડોળે મેટ્રો રેલની પ્રતીક્ષા કરી રહ્યા છે. મેગા કંપની દ્વારા વાસણા એપીએમસી માર્કેટથી મોટેરા સ્ટેડિયમ સુધીમાં આશરે ૧૮.પર કિ.મી.લાંબો ઉત્તર-દક્ષિણ કોરિડોર અને વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો આશરે ર૦.૭૪ કિ.મી. લાંબો પૂર્વ-પશ્ચિમ કોરિડોર એમ બે તબક્કાનો કુલ ૩૯.ર૬ કિ.મી. લંબાઇ ધરાવતા મેટ્રો રેલ પ્રોજેકટ હાથ ધરાયો છે, પરંતુ હજુ સુધી વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપરલ પાર્ક સુધીના આશરે ૬.પ૦ કિ.મી. લંબાઇના પૂર્વ-પશ્ચિમ કોરિડોરના પાઇલટ પ્રોજેકટનાં ઠેકાણાં પડયાં નથી. વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપરેલ પાર્ક સુુધીનો પાઇલટ પ્રોજેકટ વિલંબમાં મુકાયો હોઇ આગામી ફેબ્રુઆરી ર૦૧૯ પહેલાં કાર્યરત થાય તેવી કોઇ શકયતા નજરે પડતી નથી. બીજી તરફ મેગા કંપનીના સત્તાવાળાઓના કારણે ઠેક ઠેકાણે રસ્તા સાંકડા થવાથી ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકટ બની છે. આ ઉપરાંત મેટ્રો રેલ પ્રોજેકટના નિર્માણમાં અનેક ઘટાદાર વૃક્ષ આડે આવતાં હોવાનું કારણ આગળ ધરીને આવા વૃક્ષોનું આડેધડ નિકંદન કરાઇ રહ્યું છે. ગઇકાલે અડધી રાત્રે હેલ્મેટ ક્રોસ રોડથી સ્ટેડિયમ સુધીના રસ્તા પરનાં સંખ્યાબંધ વૃક્ષોનો સોથ વાળી નંખાયો હતો. મેગા કંપનીના સૂત્રો કહે છે, 'મેટ્રો રેલ પ્રોજેકટ હેઠળ કોર્પોરેશન પાસેથી અગાઉથી વૃક્ષ છેદનની મેળવેલી મંજૂરીના આધારે જે તે વિસ્તારના કોન્ટ્રાકટર દ્વારા વૃક્ષ કપાતાં હોય છે, પરંતુ ગઇ કાલે અડધી રાત્રે કેટલાં વૃક્ષ કપાયાં તેની માહિતી નથી.' બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો કહે છે કે, 'મેટ્રો રેલ પ્રોજેકટ માટે મેગા કંપનીને કુલ રર૦૦ વૃક્ષ કાપવાની મંજૂરી અપાઇ છે. જે પૈકી ૯૮પ વૃક્ષ કપાયાં છે. આ તમામ વૃક્ષને મેગા કંપની જ કાપી રહી છે. જોકે ગઇ કાલની વૃક્ષ છેદનની ઘટના અંગે તંત્રને જાણ નથી.' દરમ્યાન આ પ્રકારે આડેધડ વૃક્ષનિકંદનને લઇ પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે.

(8:34 pm IST)