ગુજરાત
News of Saturday, 26th May 2018

ઊનાળાના ધોમધખતા તાપમાં જળ અભિયાનમાં જોડાઇ પરસેવો પાડતા શ્રમિકો-લોકશકિતનો પરિશ્રમ ચોમાસામાં પારસમણિ બની જળસમૃધ્ધિ રૂપે ઉગી નીકળશે, રાજય સરકારે પાણીના સંચય અને આગામી ચોમાસામાં જળસંગ્રહ ક્ષમતા ૧૧ લાખ હજાર ઘનફૂટ વધારવાની કટિબધ્‍ધતા સાથે સુજલામ સુફલામ જળઅભિયાન આદર્યું છે, દહેજ અને કચ્‍છમાં દરિયાના ખારા પાણીને મીઠું કરવા ડી-સેલીનેશન પ્‍લાન્‍ટ સ્‍થપાશે : વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂ.૩૨૨.૭૧ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ચાર વિકાસ પ્રકલ્‍પોનું મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે લોકાપર્ણ

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે, ઊનાળાના આ ધોમધખતા તાપમાં ગુજરાતના ગામે-ગામ લોકશકિત અને શ્રમિકોના શ્રમદાનના પરસેવાથી હાથ ધરાઇ રહેલું જળસંચય અભિયાન આગામી ચોમાસામાં પારસમણિ બનીને જળસમૃધ્ધિ રૂપે ઊગી નીકળવાનું છે.

મુખ્યમંત્રીશ્રી સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત વડોદરા શહેરના છાણી ખાતે તળાવ ઊંડું કરવાના શ્રમ યજ્ઞમાં સહભાગી થઇ શ્રમયોગીઓને છાશ તથા સુખડીનું વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હવામાન ખાતા દ્વારા આ વર્ષે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ધોમધખતા તાપમાં શ્રમયોગીઓએ જળસંચયના કામો માટે જે પરસેવો પાડયો છે તે રંગ લાવશે અને  આગામી ચોમાસામાં તળાવો, નદીઓ, ચેકડેમ છલકાશે અને વરસાદી પાણી અમૃત સમાન બની રહેશે

આ અવસરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂ.૩૨૨.૭૧ કરોડના ખર્ચે નિર્માણ થયેલ વિકાસના ચાર કામોનું લોકાર્પણ કર્યુ હતું. મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે પ્રધાનમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત એમ.આઇ.જી., એલ.આઇ.જી., ઇ.ડબલ્‍યુ. એસ. મળી કુલ ૧૩૯૯ આવાસોનો કોમ્‍પ્‍યુટરાઇઝડ ડ્રો યોજાયો હતો. આ પ્રસંગે છાણી નાગરિક સહકારી બેંક  દ્વારા રૂ.૧.૫૧ લાખ તથા છાણી ખેડૂત સહકારી મંડળી દ્રારા રૂ.૫૧ હજાર સહિત કુલ રૂ.૨.૦૨ લાખના ચેક જળસંચય કામો માટે મુખ્‍યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્‍યા હતા.       

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે આ અભિયાને માત્ર ૨૫ દિવસમાં જનસહયોગ મળ્યો છે. જે બતાવે છે કે ગુજરાતનો પ્રત્‍યેક નાગરિક જળસંચય અને જળસંગ્રહના મકકમ નિર્ધાર સાથે ભાવિ પેઢી માટે દુકાળને ભૂતકાળ બનાવવા માટે સંકલ્‍પબધ્‍ધ છે. રાજય સરકારે પાણીના સંચય અને આગામી ચોમાસામાં જળસંગ્રહ ક્ષમતા ૧૧ લાખ હજાર ઘનફૂટ વધારવાની કટિબધ્‍ધતા સાથે સુજલામ સુફલામ જળઅભિયાન આદર્યું  છે.    

મુખ્‍યમંત્રીશ્રીએ સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાની ભૂમિકા આપતાં જણાવ્‍યું કે ૫૨૭ જેસીબી થી ૧લી મેના રોજ શરૂ કરેલા આ અભિયાનમાં આજે ૪૬૦૦ ઉપરાંત જેસીબી અને ૨૦૦૦ ટ્રેકટર-ડમ્‍પરમાં ૧૪૦૦૦ ટ્રેકટર ડમ્‍પર માટી ઉપાડવા અને તળાવો ઊંડા કરવામાં લાગ્‍યા છે. ૩ લાખ ૨૭ હજાર શ્રમિકોને આ કામોમાં રોજગારી મળી રહી છે.  

મુખ્‍યમંત્રીશ્રી જણાવ્‍યું કે સુજલામા સુફલામ જળ અભિયાન હેઠળ સમગ્ર રાજયમાં ૧૩ હજાર તળાવો ઊંડા કરવા, ૫૫૦૦ કી.મી.કેનાલ સફાઇ તેમજ ભૂતકાળ બની ગયેલ રાજયની ૩૨ નદીઓને પુનઃ જીવિત કરવામાં આવી રહી છે. જેને પરિણામે આગામી ચોમાસામાં ધરતી માતાની તરસ છીપાશે અને પાણીદાર ગુજરાતના નિર્માણ સાથે રાજયમાં પીવાના પાણીનો દુકાળ ભૂતકાળ બનશે. સુજલામ સુફલામ જળ અભિયાનમાં રાજયની સાડા છ કરોડ જનતાએ પોતીકુ અભિયાન બનાવી ગુજરાતને વધુ હરિયાળુ બનાવવા માટે જે ભગીરથ પ્રયાસ આદર્યો છે  તેની મુખ્‍યમંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે રાજયમાં જળસંચય-જળસંગ્રહની ક્ષમતા વધારવા માટે રાજય સરકાર ટૂંક સમયમાં ડ્રેનેજ વોટર રીસાઇકલીંગ પોલીસી જાહેર કરશે. જેના દ્વારા ગટરના ગંદા પાણીને શુધ્‍ધ કરી ખેતી, ઉદ્યોગો તેમજ બાંધકામ ક્ષેત્રે ઉપયોગ કરવામાં આવશે.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે દરિયાના ખારા પાણીને મીઠું કરવા માટે ઇઝરાયલની જેમ ગુજરાતમાં પણ જોડીયા ખાતે રૂ.૭૦૦ કરોડના ખર્ચે ડી-સેલીનેશન પ્‍લાન્‍ટનું કામ શરૂ કરવામાં આવ્‍યું છે. આ પ્‍લાન્‍ટ નિર્માણ થતાં રોજનું ૧૦ કરોડ લીટર પીવાનું શુધ્‍ધ પાણી મળશે. આગામી સમયમાં ભરૂચના દહેજ તેમજ કચ્‍છમાં દરિયાનું ખારૂં પાણી મીઠું કરવા ડી-સેલીનેશન પ્‍લાન્‍ટ સ્‍થાપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

સુજલામ સુફલામ જળઅભિયાન જન-સહયોગથી ભારતનું સૌથી મોટું જળ અભિયાન બન્‍યું છે. જેનું સમગ્ર રાષ્‍ટ્રમાં ગુજરાતે નેતૃત્‍વ લઇ દેશને નવી દિશા ચીંધી છે તેમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું. કેન્‍દ્ર સરકારના ચાર વર્ષના ઇમાનદારી અને સુશાસનને બિરદાવતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં દેશવાસીઓની આશાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પરિપૂર્ણ થવા સાથે નવા ભારતના નિર્માણનો સુર્યોદય થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે આ કોઇ ચૂંટણીલક્ષી અભિયાન નહીં પરંતુ ગુજરાતના જળવૈભવ વારસાને વધુ સમૃધ્ધ બનાવવાનું સર્વજન હિતાય-સર્વજન સુખાયની ભાવનાથી પ્રેરિત જનઅભિયાન છે. રાજય સરકારે લોક સહયોગથી બેટી બચાવો, બેટી પઢાવો, વાંચે ગુજરાત, ખેલે ગુજરાત, સ્વચ્છ ભારત જેવા સામાજિક ક્રાંતિના અભિયાન ઉપાડયાં છે જેના હકારાત્મક પરિણામો મળી રહયાં છે એ જ કડીમાં હવે આ અભિયાન ઉપાડીને ગુજરાતની ભાવિ પેઢીને જળસમૃધ્ધ બનાવવી છે.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે આ સરકાર પ્રમાણિકતાથી જનભાગીદારી જોડીને જન-જનના કામો કરી રહી છે. પરંતુ વિરોધીઓ દ્વારા દરેક કામોમાં વિરોધ કરવામાં આવી રહયો છે. રાજય સરકારે છેલ્‍લા ત્રણ વર્ષમાં ઘાસનું એક તણખલું પણ ખરીદયું નથી છતાં વિરોધીઓ ધડમાથા વગરના નિવેદનો કરી રહયા છે.

ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષશ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્‍યું કે પાણીએ જીવન છે. પાણી વિના જીવન શકય નથી, ત્‍યારે પાણીને ઘી ની જેમ વાપરવું એ આપણા સૌનો નાગરિક ધર્મ છે. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના સક્ષમ નેતૃત્‍વમાં રાજયમાં લોકભાગીદારીથી જળસંચય-જળસંગ્રહની નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. જે રાજયના જળ વૈભવ વારસાને વધુ સમૃધ્‍ધ્‍કરશે.        સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે ગુજરાતની ભાવિ પેઢીને પાણીની કોઇ તકલીફ ન પડે તે માટે રાજય સરકારે જન સહયોગથી રાજયવ્‍યાપી સુજલામ સુફલામ જળ અભિયાન ઉપાડયું છે તેમ જણાવતાં  ઉમેર્યું હતું કે વડોદરા શહેરમાં પણ જળ અભિયાન હેઠળ તળાવો ઊંડા કરવા, કાંસો, ગટરની સફાઇની કામગીરી થઇ રહી છે. સાંસદશ્રીએ વડોદરાની જનતા વતી વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને સુશાસનના ચાર વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

પ્રારંભમાં મેયરશ્રી ભરતભાઇ ડાંગરે સૌનો આવકાર કરતાં જણાવ્‍યું કે સમગ્ર રાજયની સાથે વડોદરાએ પણ સુજલામ સુફલામ જળ અભિયાન લોકભાગીદારીથી હાથ ધર્યું છે. હાઇ-વેની સમાંતર વરસાદી કાંસનું નિર્માણ થતાં પૂર્વ વિસ્‍તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યા દૂર થશે. ગુજરાતની ધરાને પાણીથી તરબળ કરવાના મુખ્‍યમંત્રીશ્રી પ્રેરિત જળ અભિયાનને તેમણે બિરદાવ્‍યું હતું.

આ અવસરે ધારાસભ્‍યો સર્વશ્રી મનીષાબેન વકીલ, શ્રી જીતુભાઇ સુખડિયા, શ્રી શૈલેષભાઇ સોટ્ટા, સીમાબેન મોહિલે, અગ્રણીશ્રી જીવરાજભાઇ ચૌહાણ, ભાર્ગવ ભટ્ટ, પરાક્રમસિંહ જાડેજા, પૂર્વ સાંસદશ્રી, બોર્ડ નિગમના હોદ્દેદારો, નગરસેવકો, મ્‍યુનિસિપલ કમિશનર ર્ડા.વિનોદ રાવ, કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરી, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ અને ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ સહિત વિશાળ સંખ્‍યામાં નગરજનો હાજર રહયા હતા.

(6:58 pm IST)