ગુજરાત
News of Saturday, 26th May 2018

મોદી સરકારના ચાર વર્ષઃ ભાજપના સમર્થકો દ્વારા ઉજવણી તો કોંગ્રેસે વિશ્વાસઘાત ‌દિવસ તરીકે ઉજવ્યો

અમદાવાદઃ આજથી ચાર વર્ષ પહેલા ભાજપે લોકસભા ચૂંટણીમાં બહુમત મેળવ્યા બાદ નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લઇને કેન્દ્રમાં સત્તાની ધૂરા સંભાળી હતી. આજના દિવસે ભાજપના સમર્થકો ઠેરઠેર ઉજવણી કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આજના દિવસને વિશ્વાસઘાત દિવસ તરીકે ઉજવી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ ગુજરાતના વિવિધ ઠેકાણે કાળી પટ્ટી બાંધી તો ક્યાંક કાળા ફૂગ્ગા ઉડાવીને ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિવિધ જગ્યાઓની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં, વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે ભાજપના ચાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કોંગ્રેસ આ દિવસનો વિરોધ કરી રહ્યું છે. જેના ભાગ રૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશ્વાસઘાત દિવસ ઉજવાયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ મોદી સરકારના ચાર વર્ષને વિશ્વાસઘાત ગણાવ્યો છે. કોંગી કાર્યકરોએ માથા પર કાળી પટ્ટી બાંધીને ધરણા કર્યા હતા. જેના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આમ પોલીસે આશરે 25 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાય પણ કરી છે.

રાજકોટની વાત કરીએ તો ભાજપ તું ને ક્યા કિયા વિશ્વાસ ઘાત..જેવા નારાઓ સાથે રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરોએ વિશ્વાસઘાત દિવસની ઉજવણી કરી હતી. આ ઉપરાંત અમિબેન યાજ્ઞિકે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેનામાં તેમણે જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલા આજ દિવસે નરેન્દ્રભાઇ મોદીએ શપથ લીધા હતા. ચાર વર્ષ જોતા તેમને વિશ્વાસઘાત કર્યા છે. આ સ્લોગનની સરકાર છે. ભાજપે અચ્છેદિનનું સુત્ર આપ્યું હતું પણ અચ્છેદિન કોના તે અંગે તેમની કોઇ સ્પષ્ટતા ન્હોતી. આ સરકાર ગેરવહીવટી સરકાર છે. જે અનાજની નિકાસ કરતા હતા તે પણ બંધ થઇ ચૂકી છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મનમોહન સિંહની સરકારમાં 72,000 કરોડના દેવા માફ થયા હતા. બેરોજગારી ઘટાડવાનો કોઇ રોડ મેપ નથી. પીએમએ કહ્યું હતું કે, દર વર્ષે 2 કરોડ રોજગાર આપીશું. પરંતુ આઠ લાખ રોજગારી પણ અપાવી નથી.

અમદાવાદમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોદી સરકારના ચાર વર્ષની પુર્ણાહુતી દિવસને વિશ્વાસઘાત દિવસ તરીકે ઉજવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ અને મોદી વિરોધ સુત્રોચાર કરીને વિરોધ નોંદાવ્યો હતો.

(6:27 pm IST)