બનાસકાંઠાના રબારીયા ગામમાં કાકાએ સગા ભત્રીજા પર રાઉન્ડ ફાયરિંગ કરતા અરેરાટી
બનાસકાંઠા:જિલ્લામાં બે દિવસમાં ફાયરીંગની બીજી ધટના સામે આવી છે. અમીરગઢ તાલુકામાં આવેલી રબારીયા ગામમાં ગુરુવારની મોડી રાતે દારૃના નશામાં ચકચુર કાકાએ પોતાની સગા ભત્રીજા ઉપર ફાયરીંગ કરતાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમીરગઢ તાલુકાના રબારિયા ગામમાં રહેતા સામીરા દેવા બુબડીયા ગુરુવારના રોજ મોડી રાતે નશાની ચકચૂર હાલતમાં હતા અને રસ્તો રોકીને ઉભા રહી આવતા-જતા વટેમાર્ગુઓન ગાળો બોલતા હતા. જેની જાણ થતાં તેમના ભાઈ ફતા દેવાએ રાજાપાઠમાં દંગલ મચાવી રહેલા સામીરને રસ્તો રોકી લોકોને ગાળો બોલવાનું ના પાડતાં બન્ને વચ્ચે તકરાર થઈ હતી. જોત જોતામાં વાતાવરણ ઉગ્ર બનતાં ઉશ્કેરાઈ ગયેલા સામીરાભાઈએ પોતાની પાસેની બંદૂકમાંથી આડેધડ ગોળીબાર કર્યો હતો. જેમાં ઘટનાસ્થળે હાજર તેમના ભત્રીજાના પગના ભાગે ગોળી વાગતાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ સામીરા અને ફતા વચ્ચે પણ લાકડીઓ વડે ધિંગાણું થતાં બન્નેને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા ત્રણેય વ્યક્તિઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે અમીરગઢના સરકારી દવાખાનામાં લઈ જવાયા હતા. જ્યાંથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફતા દેવા બુલડીયાની ફરિયાદના આધારે અમીરગઢ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ સબ ઈન્સ્પેક્ટર બી.આર.પટેલ ચલાવી રહ્યા છે.