ગુજરાત
News of Saturday, 26th May 2018

હિંમતનગરના ચાંદરણી ગામે વિમાના પૈસા અપાવવાના બહાને 22.15 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ફરિયાદ

હિંમતનગર :તાલુકાના ચાંદરણી ગામે રહેતા એક રહિશને ફોન પર વિમા કંપનીમાંથી બોલીએ છીએ તેમ કહી તેમની માતાના વિમાની વિગતો એક વર્ષ અગાઉ મેળવી લઈ લાલચ આપી સાત શખ્સોએ તેમની પાસેથી રૃા.૨૨.૧૫ લાખથી વધુની રકમ બેંકના ખાતામાં ભરાવી તે નાણાં પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા તેમની વિરૃધ્ધ ગુરૃવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી. આ અંગે ચાંદરણી ગામના અજયકુમાર ડાહ્યાભાઈ પટેલએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧૩-૧૧-૨૦૧૭ થી આજ દિન સુધી તેમના મોબાઈલ પર કે.ડી.ભાર્ગવ, કીશોર દેસાઈ, સંજય પંચાલ, પુજા વર્મા, મમતા ચૌધરી, મુન્નાલાલ અને ભાનુપ્રતાપસિંહ નામના ઈસમોએ અમો બિરલા સન લાઈફ ઈન્સ્યોરન્સમાંથી બોલીએ છીએ તેમ કહી અજયકુમારના માતાની વર્ષ ૨૦૧૧ ની પોલીસીની વિગતો જણાવી વિશ્વાસમાં લઈ કમીશન અપાવાની લાલચ આપી પ્રથમ તબક્કે થોડા નાણાં બેંકમાં ભરાવ્યા હતા. ત્યારબાદ આ ભરેલા રૃપિયા પરત મેળવવા માટે અલગ અલગ દિવસે ફોન કરી કેટલીક હકિકતો જણાવતા અજયકુમાર તેમની વાતોમાં આવી ગયા હતા. અને જુદાજુદા ખાતાઓમાં અંદાજે રૃપિયા ૨૨,૧૫,૪૯૩ જેટલી રકમ ભરાવી દીધી હતી. પરંતુ આ નાણાં અંગે અજયકુમારે વારંવાર ઉઘરાણી કરવા છતાં આ સાતેય જણાએ આજ દિન સુધી રૃપિયા પરત નહિ આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. જેથી કંટાળીને અજયકુમાર પટેલે સાતેય જણા વિરૃધ્ધ ગુરૃવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

(5:34 pm IST)