ગુજરાત
News of Saturday, 26th May 2018

આણંદમાં લોન અપાવવાના બહાને એજન્ટોએ લાખોની છેતરપિંડી આચરતા ગુનો દાખલ

આણંદ: શહેરના કિશોર પ્લાઝા બીલ્ડીંગમાં રાજ યોજના ફાયનાન્સના નામે ઓફિસ ખોલીને નોકરી પર એજન્ટો રાખીને વિવિધ યોજનાની લોનો અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપીંડી કરીને શખ્સ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ખંભાતના એજન્ટે આણંદ શહેર પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર કિશોર પ્લાઝામાં કલ્પેશ પરમાર નામના શખ્સે રાજ યોજના ફાયનાન્સના નામે ભાડેથી ઓફિસ ચાલુ કરી હતી. અને ચોપાનીયા છપાવીને નોકરી પર માણસો લેવાનું નક્કી કર્યું હતુ. જે અંતર્ગત ફરિયાદી ખંભાતના ચિરાગભાઈ રાવલે આણંદ સ્થિત ઓફિસનો સંપર્ક કરીને ૫૫૦ રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરીને ૧૨ હજાર રૂપિયાના માસિક પગાર તથા બોનસની શરતે નોકરીમા ંજોડાયો હતો. ચિરાગ ઉપરાંત બીજા વ્યક્તિઓ પણ નોકરીમા ંજોડાયા હતા. દરમ્યાન તેઓને ગામડાઓમાં જઈને વિવિધ યોજનાની લોનો અપાવવાની લાલચ આપીને અરજદારો પાસેથી તેમના રહેઠાણ, ઓળખ વગેરેના પુરાવાઓ મેળવીને ૩૧૦૦ રૂપિયા ઉઘરાવવાનુ ંકામ સોંપ્યું હતુ.

ચિરાગભાઈએ ખંભાત તાલુકાના ગામડાઓમાંથી ફરીને ૨૫ ફાઈલો તૈયાર કરી હતી અને ૭૫ હજાર ઉઘરાવીને આપ્યા હતા. ત્યારબાદ ઓફિસે તપાસ કરતા તાળુ લટકતુ ંજોવા મળ્યું હતુ. જેથી મોબાઈલ પર સંપર્ક કરતાં ફોન પણ સ્વીચ ઓફ થઈ જવા પામ્યો હતો. આ અંગે ચિરાગભાઈએ આણંદ શહેર પોલીસ મથકે આવીને લેખિત ફરિયાદ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઠગાઈનો આંકડો લાખોને પાર કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

(5:33 pm IST)