ગુજરાત
News of Saturday, 26th May 2018

તાપીના વાલોદ ગામેથી મુસ્લિમ પ્રેમી સાથે ભાગેલી હિન્દૂ યુવતીને પોલીસ અજમેરથી પકડી લઈ આવી

યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાઈ :યુવક જમીન પર છૂટી ગયો

તાપી જિલ્લાના વાલોદ ગામેથી મુસ્લિમ પ્રેમી સાથે ભાગી ગયેલી હિન્દુ યુવતીને પોલીસે અજમેરથી શોધી કાઢી છે. પલસાણા પોલીસ સ્ટેશનમાં યુવતીના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ યુવતી અને તેના પ્રેમીને અજમેરથી લઈ આવી હતી યુવતીને હાલ નારી સંરક્ષણ ગૃહમાં મોકલી અપાઈ છે.

  આ યુવતીનું નામ સેજલ પટેલ હોવાનું બહાર આવ્યું છે, જે મોહમ્મદ નવાઝ હનિફ મલેક નામના પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. સેજલના ગુમ થવાની ફરિયાદ તેના પરિવારજનોએ નોંધાવી હતી. તેના પરિવારજનોને એક નોટરાઈઝ્ડ ડોક્યુમેન્ટ પણ પોસ્ટમાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્રના માલેગાંવમાં સેજલે મોહમ્મદ નવાઝ સાથે લગ્ન કરી લીધા હોવાનું જણાવાયું હતું.

  સેજલ મુસ્લિમ યુવક સાથે ભાગી જતાં તેના પરિવારજનો અને હિંદુ જાગરણ મંચના સભ્યો પોલીસ પર તેમને ગમે ત્યાંથી પરત લઈ આવવા દબાણ કરતા હતા. તેમનો આક્ષેપ હતો કે, મોહમ્મદ નવાઝે સેજલને બંધક બનાવી રાખી છે. તેમણે વ્યારામાં રેલી પણ કાઢી હતી, અને પલસાણા પોલીસ સ્ટેશન સામે ધરણા પણ કર્યા હતા.

   સુરતના ડીવાયએસપી જીઆઈ વસાવાના જણાવ્યા અનુસાર, સેજલ પોતાને ભવિષ્યમાં શું કરવું છે તે નક્કી કરતા પહેલા નારી સંરક્ષણ ગૃહમાં જવા ઈચ્છતી હતી. તેની ઈચ્છા અનુસાર, પોલીસે તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે, જ્યારે આ મામલે મોહમ્મદ નવાઝની પોલીસે ધરપકડ કરી હતી. જોકે, હાલ તે જામીન પર છૂટી ગયો છે.

(3:06 pm IST)