ગુજરાત
News of Saturday, 26th May 2018

એ અ-ધ-ધ રકમ લાંચની નહિ, મારા પિતાએ મને આપી છે

એસીબીના ઇતિહાસમાં સૌથી મોટા સર્ચ ઓપરેશનનો મામલોઃ જમીન વિકાસ નિગમના ટોચના અધિકારીનો ધડાકો : ૪૨ દિવસ સુધી ફરારી રહેલા પુર્વ આસી. ડાયરેકટર દેસાઇના પિતાને પણ મિલ્કતના સોર્સ મેળવવા એસીબી રૂબરૂ તેડાવશે

રાજકોટ, તા., ૨૬: ગાંધીનગર સ્થિત જમીન વિકાસ નિગમના આસી. ડાયરેકટર કક્ષાના ઉચ્ચ અધિકારી અપ્રમાણસર મિલ્કતના એસીબી કેસમાં ફસાયા બાદ ૪ર દિવસ સુધી ગૂમ રહયા બાદ એસીબી હાથે અચાનક ઝડપાઇ ગયેલા એમ.કે. દેસાઇની રિમાન્ડ માટેની કાર્યવાહી પુર્વે જ એસીબી દ્વારા તેની ગેરકાયદે મિલ્કતના સ્ત્રોત શોધી કાઢયાનું એસીબી સુત્રો જણાવે છે.

ઉકત પુર્વ અધિકારીની પ્રાથમીક તપાસમાં જ તેના બેન્ક લોકરમાંથી ૭પ લાખના દાગીના અને પત્નીના નામે ૩ પ્લોટ મળી આવતા એસીબીએ નિયમ મુજબ અપ્રમાણસર મિલ્કતનો કેસ કરી જમીન વિકાસ નિગમમાં કઇ રીતે મસ મોટી તોડબાજી ચાલે છે અને કયા પ્રકારે કેટલો હિસ્સો કોને મળે છે? તેના મૂળ સુધી પહોંચવા તપાસનો દોર ચાલી રહયો છે.

અત્રે એ યાદ રહે કે, ગત તા. ૧ર એપ્રિલના રોજ એસીબી વડા કેશવકુમારના  સીધા માર્ગદર્શનમાં એસીબીની વિવિધ ટીમો દ્વારા ગાંધીનગર સ્થિત જમીન વિકાસ નિગમમાં સર્ચ ઓપરેશન વ્હેલી સવાર સુધી હાથ ધરેલ.

ઉકત એસીબી ઓપરેશન  દરમિયાન વિવિધ અધિકારીઓની ટેબલના ખાનામાં રહેલી પ૪ લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી. આ રકમમાં સૌથી વધુ રકમ પુર્વ આસી. ડાયરેકટર એમ.કે.દેસાઇ પાસેથી મળેલી જે રકમ ૯ લાખ રૂપીયા જેટલી રોકડ  રકમ હતી. એ સમયે એસીબી દ્વારા કુલ ૪ અધિકારીઓ સામે કાર્યવાહી થયેલી તેમાં પુર્વ એમડી કનૈયાલાલ દેત્રોજા, જોઇન્ટ ડાયરેકટર કે.સી.પરમાર, આસ. ડાયરેકટર  એમ.કે.દેેસાઇ અને ફિલ્ડ સુપરવાઇઝર વાઘેલા સામે ગુન્હા દાખલ થયેલ. જે તે સમયે પુર્વ એમડી કે.એસ.દેત્રોજાની ધરપકડ એસીબીએ અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની મદદથી કરી હતી. તેમની ધરપકડ બાદ આસી. ડાયરેકટર  એમ.કે. દેસાઇની ધરપકડ કરવામાં આવી  છે.

મોરબી-રાજકોટ અને સુરેન્દ્રનગર વિ. માં પુર્વ એમડી દેત્રોજાની મિલ્કતની શોધ

રાજકોટઃ ગુજરાતભરમાં ભારે ચકચારી બનેલ અને લોકોના પરસેવાની કમાણીમાંથી મસ મોટો ભ્રષ્ટાચાર કરવાનો જેમના પર આરોપ મુકાયો છે તેવા જમીન વિકાસ નિગમના પુર્વ એમડીની મિલ્કતોની ભારે શોધખોળ એસીબીની વિવિધ ટીમો દ્વારા થઇ રહયાનું સુત્રો જણાવે છે.

એસ.કે.દેત્રોજાની મિલ્કતો મોરબી-રાજકોટ-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા-અમદાવાદ અને મહેસાણા તથા ગાંધીનગરમાં હોવાનું એસીબી તપાસમાં ખુલવા પામતા ઉકત શહેરોમાં એસીબીના વિવિધ યુનીટો દ્વારા તપાસનો ધમધમાટ ચાલે છ. ઉકત અધિકારીના ૭ વિવિધ બેન્કોમાં એકાઉન્ટ તથા લોકરો હોવાનું ખુલતા એસીબીની એક વિશેષ ટીમ આ બાબતે તપાસ કરી રહયાનું પણ સુત્રો જણાવે છે.

જમીન વિકાસ નિગમના પુર્વ આસી. ડાયરેકટર

એમ.કે.દેસાઇની પત્નીના નામે ૩ પ્લોટ અને પોણો કરોડના દાગીના એસીબીને પ્રાથમીક તપાસમાં જ મળી આવ્યા

રાજકોટઃ ૪ર-૪ર દિવસ સુધી એસીબીના સર્ચ ઓપરેશનમાં બીન હિસાબી મિલ્કત મળ્યા બાદ ફરારી બનેલ  જમીન વિકાસ નિગમના પુર્વ આસી. ડાયરેકટર એમ.કે.દેસાઇની પત્નીના નામે ૩ પ્લોટ અને પોણો કરોડના દાગીના એસીબીને પ્રાથમીક તપાસમાં જ મળી આવ્યા બાદ એસીબીને ઉકત અધિકારીની રિમાન્ડ દરમિયાન લાખો રૂપીયાની બેહિસાબી મિલ્કત મળી આવવાની પુરી સંભાવના હોવાથી એસીબી દ્વારા એમ.કે.દેસાઇના વિશ્વાસુ લોકોને શોધી અને તેની મિલ્કતો શોધવા માટે ભારે પ્રયાસો ચાલી રહયાનું જાણવા મળે છે.

(12:39 pm IST)