ગુજરાત
News of Saturday, 26th May 2018

વડોદરાના બાપ-દીકરીની જોડીની અનોખી પહેલ : 10 હજાર દીકરીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડશે

કન્યા કેળવણી માટે 1 કરોડનું ડોનેશન એકત્ર કરાશે :22 લાખના ચેક મળી ચુક્યા

વડોદરાઃ વડોદરાના બાપ -દીકરીએ અનોખી પહેલ કરી છે છોકરીઓને ભણાવવા માટે વડોદરાના આ બાપ-દીકરીની જોડીએ આગામી શૈક્ષણિક વર્ષ સુધીમાં 10 હજાર દીકરીઓને ભણાવવાની ફી એકઠી કરવાનો ધ્યેય નક્કી કર્યો છે.અને ડોનેશન લેવાનું શરૂ કરી દેવાયુ છે ગુલાબ રાજપુત અને તેમની દીકરી નિશિતા રાજપુતે ગરીબ છોકરીઓને ભણાવવા માટે ફી પેટે દરેકને 1000 રૂપિયા આપી રહ્યા છે. ગરીબ બાળકીઓના શિક્ષણ માટે તેઓ 1 કરોડનું ડોનેશન ભેગું કરશે.

  ગુલાબભાઈ રાજપૂતે કહ્યું કે ફી પેટે તેઓને અત્યાર સુધીમાં 22 લાખ રૂપિયાના ચેક મળ્યા છે. આગળ કહ્યું કે, “2000 જેટલી છોકરીઓએ અમારો સંપર્ક કર્યો અને શૈક્ષણિક સહાય માટે ફોર્મ ભર્યાં છે.” તેમણે જણાવ્યું કે દેશના વિવિધ રાજ્યોમાંથી ઉપરાંત દુબઈ અને અમેરિકામાં રહેતા એનઆરઆઈ દ્વારા પણ ડોનેશન આપવામા આવી રહ્યું છે. અગાઉ અમને ડોનેશન આપ્યું તેઓએ અમને આ વખતે વધુ ડોનેશન આપવાનું વચન આપ્યું છે.

   બંને બાપ-દીકરી હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટના બેનર હેઠળ ડોનેશન એકઠું કરી છોકરીઓના ફી પેટે 1000 રૂપિયા જમા કરાવી રહ્યા છે. 1000થી વધુનું ડોનેશન હોય તો ચેક દ્વારા જ આપવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે. બંને બાપ-દીકરી અગાઉ પણ આવી જ રીતે કેટલાંય સમાજસેવાના કામો કરતાં આવ્યાં છે. હવે તેમણે ગરીબ બાળકોને ભણાવવાનું બીડું ઝડપ્યું છે.

   એક વખત ફી જમા થઈ ગયા બાદ ફોટા સાથેની ફાઈલ અને છોકરીને મદદ કરી હોય તે દર્શાવતાં દસ્તાવેજો તૈયાર કરવામાં આવે છે અને જે-તે ડોનરને તે ફાઈલ આપવામાં આવે છે. રાજપુત બાપ દીકરી દ્વારા પરિક્ષામાં સારા માર્ક્સ લાવી હોય તેવી છોકરીઓને કપડાં, સ્ટેશનરી, જૂતાં, પુસ્તકો સહિતની પ્રોત્સાહક વસ્તુઓ આપવામાં આવે છે.

(11:29 am IST)