ગુજરાત
News of Saturday, 26th May 2018

સ્ટેન્ડીંગમાં હોલ-પાર્ટી પ્લોટના બુકીંગની દરખાસ્ત મૂકાઇ નહીં

હાઇકોર્ટની ફટકાર બાદ વિવાદ ખાળવાનો પ્રયાસઃ કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, પિકનિક હાઉસ કોર્પોરેટરો, સભ્યો દ્વારા અગાઉથી બુક કરાવી લેવાતાં હાઇકોર્ટ નારાજ

અમદાવાદ, તા.૨૫: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, પિકનિક હાઉસ અને ઓપનએર થિયેટર વગેરેનું પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જીપીએમસી એક્ટમાં જોગવાઇ ન હોવા છતાં વિશેષ અધિકાર મેળવીને એક-એક વર્ષ અગાઉથી માસ બુકિંગ કરાવતા હોઇ આ મામલે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ છે. જો કે, આ કેસમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સત્તાવાળાઓને નોટિસ ફટકારી આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં તેની ઘેરી અસર અમ્યુકો વર્તુળમાં જોવા મળી હતી. ખાસ કરીને  હાઇકોર્ટની ઝાટકણી બાદ ગઇકાલે પહેલીવાર મળેલી સ્ટેન્ડિંગ કમિટીના તાકીદના એજન્ડામાં હોલ-પાર્ટી પ્લોટના માસ બુકિંગની દરખાસ્ત જ મૂકાઇ ન હતી અને વિવાદને ખાળવાનો પ્રયાસ કરાયો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના આઠ ધારાસભ્ય અને ૬પ કોર્પોરેટર દ્વારા છેક માર્ચ, ર૦૧૯ સુધીના તંત્રના મલાઇદાર ગણાતા હોલ, પાર્ટી પ્લોટ અને પિકનિક હાઉસનું માસ બુકિંગ કરાવી દેવાતાં ભારે વિવાદ ઉઠ્યો છે. સામાન્ય નાગરિકો માટે વર્ષ ર૦૦૯થી ઓનલાઇન બુકિંગનો નિયમ અમલમાં મુકાયો છે પરંતુ પ્રજાના આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તાકીદની દરખાસ્ત મૂકીને જે તે હોલ-પાર્ટી પ્લોટનું બુકિંગ કરાવતા આવ્યા છે, જેના કારણે સામાન્ય જનતા અમ્યુકોના હોલ કે પાર્ટી પ્લોટોનો લાભ મેળવી શકતા નથી.  પ્રત્યેક સ્ટેન્ડિંગ કમિટીમાં ઓછામાં ઓછા દસ ધારાસભ્યના નામે કોર્પોરેશનના હોલ-પાર્ટી પ્લોટનું માસ બુકિંગ થતું આવ્યું છે. ગઇકાલે પ્રથમ વાર ભાજપના શાસકોએ હાઇકોર્ટની ટકોર થવાથી આવી કોઇ દરખાસ્ત મૂકવાનું સાહસ ખેડ્યું ન હતું. પ્રજાની મિલકત અંગત મિલકત તરીકે થતા ઉપયોગ સામે હાઇકોર્ટે લાલ આંખ કરીને અરજીની વધુ સુનાવણી આગામી તા.૧૧ જૂન પર રાખી હોઇ અમ્યુકો દ્વારા સમગ્ર વિવાદ ખાળવાનો પ્રયાસ કરાયો હતો. દરમ્યાન ગઇકાલની મ્યુનિસિપલ સ્ટેન્ડિગ કમિટીમાં આ મુદ્દે કમિશનર સાથે પણ ચર્ચા થઇ હતી.

જો કે મીડિયા સાથેની વાતચીતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે વધુ વિગત આપવાનું ટાળ્યું હતું. તેમ છતાં જૂનાં માસ બુકિંગના ઠરાવને રદ કરવાની હાઇકોર્ટની સૂચનાને શાસકોએ અવગણીને આ હોલ-પાર્ટી પ્લોટ સામાન્ય લોકોને ઉપલબ્ધ ન કરાવાતાં નવો વિવાદ ઉઠ્યો છે. હવે આગામી દિવસોમાં હાઇકોર્ટ સમક્ષ અમ્યુકો સત્તાવાળાઓ શું ખુલાસો કરે છે અને હાઇકોર્ટ શું વલણ અપનાવે છે તેની પર સૌની નજર છે.

(10:10 pm IST)