ગુજરાત
News of Saturday, 26th May 2018

પ્રથમવાર પ્રિ અને પ્રાયમરીથી બાળકને વધુ સક્ષમ બનાવાશે

કલાપી અને દાલીયા એજ્યુકેશન ગ્રુપનું આયોજનઃ અનોખા કન્સેપ્ટ સાથે મણિનગર વિસ્તારમાં સોલારિસ કિડ્સ, આઇઆઇટી નર્સરી તેમજ ફલોરા-૯નું ઉદ્ઘાટન

અમદાવાદ,તા. ૨૫: ગુજરાતમાં સૌપ્રથમવાર પ્રિ-પ્રાયમરી અને પ્રાયમરી શિક્ષણથી જ બાળકને સક્ષમ, કૌશલ્યયુકત અને તેનો વ્યક્તિત્વ વિકાસ ખીલે તે પ્રકારના અનોખા કન્સેપ્ટ સાથે શહેરના મણિનગર વિસ્તારમાં જવાહર ચોક ખાતે કલાપી અને દાલીયા એજયુકેશન ગ્રુપ દ્વારા સોલારિસ કિડ્સ, આઇઆઇટી નર્સરી અને ફલોરા-૯નું ઉદ્ઘાટન થવા જઇ રહ્યું છે. ત્રણ વર્ષથી લઇ ૧૪ વર્ષ સુધીના બાળકોને વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી, ઇનોવેશન્સ, સેલ્ફ કોન્ફીડેન્સ, સ્કીલ અને આઇડિયાની સાથે સાથે ભારતના પ્રાચીન આધ્યાત્મિક ગ્રંથો અને વેદોનું શિક્ષણ પણ પૂરું પાડવામાં આવશે. આ પ્રકારનું વર્લ્ડકલાસ શિક્ષણ ભારતમાં સૌપ્રથમવાર અપાવા જઇ રહ્યું છે એમ કલાપી એજ્યુકેશન ગ્રુપના ડાયરેક્ટર મનીષ રાવલ અને સોલારિસ પબ્લીક સ્કૂલના ડાયરેકટર અલ્પીત મણિયારે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણી વર્ષો જુની ગુરુકુલમ્ પધ્ધતિ ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદ અને ચાર વેદોના જ્ઞાનનું પ્રાથમિક જ્ઞાન અમે બાળકોને આપી આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ કરાવીશું. અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપ જેવા વિકસીત દેશોની શિક્ષણ પધ્ધતિ અને ભારતમાં ચાલી રહેલી શિક્ષણ પધ્ધતિ વચ્ચે ૧૦ વર્ષની ઉડી ખાઈ છે, તે પૂરાય તે હેતુથી આ સ્કૂલ શરૂ કરીને વિકસીત દેશોની શિક્ષણ પ્રણાલી ભારતીય વિદ્યાર્થીઓને મળી રહે તેવો અમારો પ્રયાસ છે. બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો બાંધવા લાગણી અને લોજિક(તર્ક) દ્વારા જમણા અને ડાબા બ્રેઈનનો ઉપયોગ સરખી રીતે કરી શકે તેવી ભારતમાં અમારી સૌપ્રથમ શિક્ષણની શરૂઆત છે. શ્રેષ્ઠ શિક્ષકોને વર્ષમાં ત્રણવાર ટ્રેનિંગ અને ડિબેટ સેશન રાખી આજના યુગમાં સતત પરિવર્તનશિલ શિક્ષણ આપી સફળતાના સારથીઓ તૈયાર થાય તેવો આરએન્ડડી(રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ) વિભાગ સ્કૂલમાં બનાવ્યો છે. આવતીકાલથી શરૂ થઇ રહેલી પ્રિ-સ્કૂલ અને પ્રાયમરી સ્કૂલની વિશેષતાઓ જણાવતાં મનીષ રાવલ અને અલ્પીત મણિયારે જણાવ્યું કે, બ્રેઇનબોના ડાયરેક્ટર આલોક હુરરા દ્વારા તૈયાર કરવામાં આવેલી ૮-મલ્ટીપલ ઈન્ટેલિજન્સ થીયરી કે જે હાર્વડ ગાર્ડનરે આપી છે, તેના દ્વારા ભવિષ્યમાં બાળકોને માનસિક અને શારીરિક ક્ષમતા પ્રમાણેનો સર્વાંગી વિકાસનો પથ નક્કી કરવા અનુભવી તજજ્ઞો દ્વારા કાઉન્સીલીંગ અપાશે. ફ્લાઈંગ કલર- પૂના( ભૂપેશભાઈ) અને શ્રી ગૌરાંગ ઓઝા (મેથ્સ સાયન્ટીસ્ટ) દ્વારા તૈયાર કરવામાં આવેલી મેથ્સલેબ, અબાકસ, વૈદિક-ગણિત દ્વારા પાયાથી ગણિત અને તર્કશક્તિનો અભ્યાસ બાળકોને શીખવવામાં આવશે.

હેન્ડરાઈટીંગ એક્સપર્ટ  ગજેન્દ્ર ત્રિવેદી દ્વારા રાષ્ટ્રીય, પ્રાંતીય અને વિદેશી ભાષાના પ્રભુત્વ માટે લેન્ગવેજ લેબ સ્કૂલમાં તૈયાર કરવામાં આવી છે. ટેકનોલોજી નિષ્ણાત નીલેશભાઈ ત્રિવેદી અને સતીષ પંચાલ દ્વારા ફલોરા-૯ અને આઈઆઈટી નર્સરીનું ટેક્નોલાજીસભર શિક્ષણ સાથે રમત-ગમતનું પણ આયોજન કરવામાં આવ્યું છે.તો, પ્રિ-સ્કૂલમાં સંપૂર્ણ મોન્ટેસરી શિક્ષણ શ્રી ગીજુભાઈ બધેકા(મુછાળીમા)ની બુકોમાંથી બનાવેલુ કરીક્યુલમ મોના રાવલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ સિવાય રોબોટીક્સ જેવી એક્ટીવીટીથી બેઝીક એન્જિનિયરીંગનો કોન્સેપ્ટ સમજાવી સ્કીલ ઈન્ડીયા માટે બાળકોને સક્ષમ બનાવવા આઇ-સ્પર્શ જેવી બ્રાન્ડ સાથે મળીને ધો – ૬, ૭, ૮ ના વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગનું પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવશે. ટૂકમાં કલાપી અને દાલીયા ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ બાળપણથી બાળકને શિક્ષણ સાથે સંસ્કાર અને સંયમ શીખવીને નવી ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેવી નવી પેઢીની સમાજ ને ભેટ આપવી બસ તે જ છે એમ તેમણે ઉમેર્યું હતું.

(10:17 pm IST)