ગુજરાત
News of Saturday, 26th May 2018

અમદાવાદની સિવિલ હોસ્‍પિટલના પાર્કીંગમાં જ તબીબ ઉપર હૂમલોઃ ડોક્ટરો હડતાલ ઉપર

અમદાવાદઃ આજે સવારે સિવિલ હોસ્પિટલના તબીબ પર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને ફરાર થઇ ગયા હતાં. જો કે આ બે વ્યક્તિઓ કોણ હતાં તેની જાણ થઇ ન હતી. અવારનવાર ડોક્ટરો પર થઇ રહેલા દર્દીઓના સગાઓના હુમલાથી ડોક્ટરો સુરક્ષાની માગ કરી રહ્યાં છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બુધવારે મોડી રાતે તબીબો સાથે અજાણ્યા ત્રણ શખ્સોએ મારામારી કરી હતી. જેના કારણે સિવિલ હોસ્પીટલના તબીબો હડતાળ પર ઉતર્યા હતાં. આ મારામારીને મામલે ડોક્ટરોએ હુમલાખોરની ધરપકડ કરવાની માગ કરી છે, અને જ્યાં સુધી હુમલાખોરની ધરપકડ ના થાય ત્યાં સુધી ધરણા પર બેસવાની ડોક્ટરોએ ચિમકી પણ આપી હતી. તબીબોએ ફરિયાદ નોંધાવતા શાહીબાગ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે બીજા બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ઓઢવની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા 50 વર્ષીય પંડિત ઉદયવિર પરિહાર બુધવારે સાંજે પડી જતા 5.30 વાગે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી હતી. ત્યાં હાજર ડોક્ટરોએ તેમની સારવાર શરૂ કરી હતી. જોકે દર્દીની હાલત ગંભીર હોવાથી મોડી રાતે 12.30 વાગ્યાની આસપાસ દર્દી બેભાન જણાતા ડો. શૈનુજ તેને ચેક કરી રહ્યા હતા. ત્યારે ચાર લોકો ક્યારના દર્દીને દાખલ કર્યા છે પણ તમે યોગ્ય સારવાર નથી કરી રહ્યાનું કહીને ગા‌ળો બોલી તબીબો સાથે ઝપાઝપી કરી હતી. ઓટીમાં બીજુ ઓપરેશન ચાલું હતું, તેમાં પણ અડચણ ઉભી કરી હતી. આ અંગે શાહીબાગ પોલીસે દર્દીના 2 સગા સહીત ચાર લોકો સામે ફરિયાદ નોંધી હતી. તેમજ પોલીસે દર્દીના સગા રાજુકુમાર ઉર્ફે રાજુ બાબુસિંગ પરિહાર (31) અને સંજય બાબુસિંગ પરિહાર(37)ની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

(5:23 pm IST)