ગુજરાત
News of Monday, 26th April 2021

સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા માર્કેટમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા ટેસ્ટના ડરથી વેપારીઓએ દુકાનો બંધ રાખી

સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ આજે સવારે માર્કેટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. માટે નાની મિલેનિયમ માર્કેટમાં ચેકિંગ શરૂ કરાતાં વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી. માર્કેટમાં ચેકિંગ ટીમ આવી છે, એવું જાણ્યા પછી માર્કેટના મુખ્ય દરવાજે વેપારીઓના ટોળાં ભેગાં થઇ ગયાં હતાં.

એસએમસી તરફથી દુકાનો બંધ કરાવવામાં આવી નહોતી. પરંતુ આરટીપીસીઆર કે રેપિડ ટેસ્ટ નહીં હોવાના કિસ્સામાં વેપારીઓએ ખુદ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી, એમ માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું. એસએમસીની ટીમ સવારે સાડા દસ પછી માર્કેટમાં કોવિડ રિપોર્ટના ચેકિંગ માટે પહોંચી હતી.

માર્કેટ વિસ્તારમાં હજુ પણ મોટી સંખ્યામાં વેપારીઓ અને કારીગર મજૂરો પાસે રેપિડ ટેસ્ટ કે આરટીપીસીઆર રિપોર્ટ નહીં હોવાની આશંકાને આધારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કાપડ માર્કેટમાં સંક્રમણના કેસો વધે નહીં તે માટે પ્રશાસન તરફથી કાળજી રાખવામાં આવી છે અને તે માટે ચેકિંગ ઝુંબેશ સતત ચાલી રહી છે.

(5:36 pm IST)