ગુજરાત
News of Monday, 26th April 2021

અમદાવાદમાં સતત વધતા કોરોના કેસના કારણે કોર્પોરેશન તંત્ર દ્વારા હેર સલુનો અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરવા આદેશ

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઈરસની બીજી લહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એમાંય અમદાવાદની સ્થિતિ દિનપ્રતિદિન ચિંતાજનક બનતી જઈ રહી છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે નાઈટ કરફ્યુ સહિતના પગલા લેવા છતાં છેલ્લા 4 દિવસથી 5 હજાર કરતાં વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે. જેના પગલે હવે વહીવટી તંત્ર દ્વારા વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઓ બંધ કરાવ્યા બાદ હવે હેર કટિંગ સલૂનો બંધ કરાવવામાં આવી રહી છે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા હેર કટિંગ સલૂનો બંધ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. મ્યૂનિસિપલ કમિશનરના આદેશને પગલે કોર્પોરેશનની વિવિધ ટીમો દ્વારા શહેરના વિવિધ સ્થળોએ હેર કટિંગ સલૂનો બંધ કરાવવામાં આવી રહી છે.

એક તરફ સરકાર દ્વારા લોકડાઉન કરવાની મનાઈ કરવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ એક-એક કરીને દરેક ધંધા બંધ કરાવવામાં આવી રહ્યા છે. જ્યાં સ્વયંભુ બંધ પાળવામાં આવી રહ્યું છે.તેવા વિસ્તારોમાં પણ જો કોઈ પોતાનો ધંધો ચાલુ રાખે, તો AMCની ટીમ અને પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી રહ્યા છે.

(5:08 pm IST)