ગુજરાત
News of Monday, 26th April 2021

ગુજરાતમાં કોરોનાના ડબલ મ્યુટન્ટ વાયરસના પણ ૧૬ જુદા જુદા વેરિયન્ટ છે

ગુજરાતમાં ૨ ફેબ્રુઆરીના રોજ ડબલ મ્યુટન્ટ વાયરસ સેમ્પલમાં જોવા મળ્યો હતો.: સમય રહેતા સાવધાની રાખવામાં આવી હોત તો આજે ગુજરાતની આ સ્થિતિ ન હોત.: ખુદ કેન્દ્ર સરકાર હસ્તકની લેબોરેટરીના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેટામાં છે આ માહિતી

નવી દિલ્હી, તા.૨૬: તાજેતરમાં દેશ અને ગુજરાતમાં કોરોનાનો આતંક મચાવવા માટે જવાબદાર કોરોનાનો ડબલ મ્યુટન્ટ વાયરસ SARS-CoV-2 B.1.617 ના પણ ૧૬ જુદા જુદા વેરિયન્ટ્સ ગુજરાતમાં છે. આ જાણકારી દુનિયામાં કોરોના અંગે સચોટ અને ત્વરિતપણે માહિતી આદાનપ્રદાન કરવા માટે બનાવવામાં આવેલા માહિતી કોલોબ્રેશન પ્લેટફોર્મ GISAIDના વેબસાઇટ પર જોવા મળે છે.

ભારતના જુદા જુદા ૧૧ રાજયોમાં મળી આવેલા કોરોનાના વેરિયન્ટ અંગેની આ માહિતી GISAID પર ઇન્ડિયન SARS-CoV-2 કન્સોર્ટિયમ ઓન જીયોનોમિકસ (INSACOG) ટીમના વૈજ્ઞાનિકોએ આપી છે. આ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા સ્થાફિત ૧૦ નેશનલ લેબોરેટરીના વૈજ્ઞાનિકોનું ગ્રુપ છે.

INSACOG વૈજ્ઞાનિકોએ આંતરાષ્ટ્રિય પ્લેટફોર્મ પર માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં કોરોનાના ડબલ મ્યુટન્ટ B.1.617 કોવિડ વાયરસના ૧૬ વેરિયન્ટ જોવા મળી રહ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ૧૭૫ વેરિયન્ટ્સ અને પ. બંગાળમાં ૧૩૩ વેરિયનટ્સ જોવા મળ્યા છે. આ અંગેનો રિપોર્ટ GISAID માં ફેબ્રુઆરીમાં જ સબમિટ કરી દેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજી એક મહત્વની માહિતી એ પણ સામે આવી છે કે હાલ ગુજરાતમાં કોરોનાના યુકે વેરિયન્ટ SARSCoV-2 B.1.1.7 ના ૨૫ જેટલા વર્ઝન જોવા મળે છે. મહત્વનું છે કે યુકેમાં કોરોનાનો આ અપગ્રેડ વેરિયન્ટ સૌથી પહેલા ડિસેમ્બર ૨૦૨૦જ્રાક્નત્ન લંડન અને ઇંગ્લેન્ડના સાઉથ ઇસ્ટ અને ઇસ્ટ વિસ્તારમાં જોવા મળ્યો હતો. ગુજરાત દેશના કેટલાક જાગૃત રાજયો પૈકી એક છે જેણે શરુઆતમાં જ કોરોનાના નવા વેરિયન્ટને ઓળખી કાઢવા માટે INSACOGના ભાગ એવી દિલ્હીની નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સ લેબોરેટરીને સેમ્પલ આપ્યા હતા.

GISAID અનુસાર કોરોનાના ડબલ મ્યુટન્ટ વાયરસ પ્રકાર B.1.617ના ગુજરાતમાં હાજરી આ વર્ષે પહેલીવાર ૨ ફેબ્રુઆરીના રોજ નોંધાઈ હતી. જયારે ત્રણ સેમ્પલ ટેસ્ટિંગમાં ડબલ મ્યુટન્ટ વાયરસ માટે પોઝિટિવ જોવા મળ્યા હતા. જે બાદ ૩ ફેબ્રુઆરીના રોજ ૨ સેમ્પલ મળ્યા અને તે પછી ૬ ફેબ્રુઆરીના રોજ બીજા ૩ સેમ્પલ મળ્યા જેમાં ડબલ મ્યુટન્ટ વાયરસ જોવા મળ્યો હતો.

દુનિયામાં કોરોનાના ત્વરિત અને સચોટ માહિતી માટેનું પ્લેટફોર્મ GISAIDના જર્મનીની સરકાર મેઇન્ટેન કરી રહી છે. જેને સિંગાપોર અને અમેરિકાથી હોસ્ટ કરવામાં આવી છે. જે ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ-૧૯ પેન્ડામિક માટે જવાબદાર કોરોના વાયરસ અંગેના તમામ જીઓનોમિક ડેટાનો ઓપન એકસેસ આપે છે.

(3:56 pm IST)