ગુજરાત
News of Monday, 26th April 2021

કાલ સુધીમાં તબીબો હાજર નહીં થાય તો એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાશે : 1242 બોન્ડેડ ઉમેદવારોને ફરજિયાત હાજર થવાનો આદેશ

હાજર ન થાય તો તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને એપેડેમિક એક્ટની કલમ-3ની જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના

અમદાવાદ : રાજ્યમાં કોવિડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ તબક્કાવાર વધારો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં વધારાના માનવબળની આવશ્યકતા ઉભી થઈ છે. તેના માટે સરકાર તરફથી જાહેરાતો કરવા છતાં મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફ મળતો નથી. આ બાબતને ધ્યાનમાં લઈ રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના 1242 બોન્ડેડ ઉમેદવારોને ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનો આદેશ કર્યો છે.

આ આદેશ મુજબ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના 513, રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના 136 તથા રાજ્યની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજના 593 ઉમેદવારોને તબીબી અધિકારી વર્ગ -2 તરીકે અપાયેલી નિમણૂંકના સંદર્ભે હાજર થવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

રાજ્યના તબીબી શિક્ષણ અને સેવાઓના કમિશનર જયપ્રકાશ શિવહરેએ કરેલા હુકમ અનુસાર કોવીડ 19ના દર્દીઓની સારવાર માટે માનવબળની ઘટ વર્તાઈ રહી છે અને તાકીદની પરિસ્થિતિમાં તબીબોની તીવ્ર જરુરીયાત છે, જે સંદર્ભે આ આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવીડના કેસમાં અસાધારણ વધારો થતા કુશળ માનવબળની જરુરિયાત ઉભી થઈ છે ત્યારે રાજ્ય સરકારે તે માટે શ્રેણીબદ્ધ પગલાઓ લીધા છે.

 

આ આદેશ મુજબ બોન્ડેડ તબીબો 26-4-2021 સુધીમાં તેમની નિમણુંકના સ્થળે હાજર ન થાય તો તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને એપેડેમિક એક્ટની કલમ-3ની જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ માટે સરકાર તરફથી ખાસ પગારધોરણ જાહેર કરવામાં આવ્યું હતું. આ પગારધોરણ હાલમાં હોસ્પિટલમાં ફરજ બજાવતાં મેડિકલ સ્ટાફ કરતાં વધુ હોવાના કારણે ઉહાપોહ અને ગણગણાટ શરૂ થયો છે.

(10:46 pm IST)