ગુજરાત
News of Monday, 26th April 2021

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 1 થી 31 મેં સુધીનું ઉનાળુ વેકેશન જાહેર કરાયું

વિવિધ વિદ્યાશાખાના ડીન તથા આચાર્યોની રજૂઆતના પગલે લેવાયો નિર્ણય

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 1 થી 31 મેં સુધીનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ અંગેની જાણ વિદ્યાર્થીઓને કરી દેવા માટે કાર્યકારી કુલસચિવે તમામ કોલેજોના આચાર્યોને કરી છે

કોવિડ 19ની મહામારીના કારણે શૈક્ષણિક કાર્ય જ નહીં બલ્કે પરીક્ષાનું સમયપત્રક ખોરવાઇ ગયું છે. જેને ધ્યાનમાં લઇને જ ગુજરાત સરકારે ધો.1થી 9 તથા ધો.11માં માસ પ્રમોશનની જાહેરાત કરી છે. ધો.10 અને ધો.12ની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. જો કે આ પરીક્ષાઓ પૈકી ધો.10ની પરીક્ષા પર રદ કરવા માટે માંગ ઉઠી છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઇ જાહેરાત થઇ નથી.

બીજી તરફ ઉચ્ચ શિક્ષણની વાત કરીએ તો કોલેજોમાં પણ આ જ સ્થિતિ થઇ છે. જુદી જુદી યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષાઓની તારીખમાં વારંવાર બદલાવ કરવો પડી છે. પહેલાં ઓફલાઇન બાદ ઓનલાઇન પરીક્ષા જાહેર કરવાની ફરજ પડી છે. આમ કોરોનાના કારણે સમગ્ર વ્યવસ્થા તંત્ર અસ્તવ્યસ્ત બની ગયું છે. પરિણામે ઉનાળુ વેકેશન જાહેર કરવાનું પણ અટકી પડયું છે. આવા સમયે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોવિડ 19 અન્વયે ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

(10:25 pm IST)