ગુજરાત
News of Friday, 26th April 2019

પ્રતિબંધ છતાં ધુમાડો ઓકતા ૧૦૦ મશીનોની ખરીદી થશે

કોર્પોરેશનના નિર્ણયને લઇ વધુ એક વિવાદની વકીઃ મ્યુનિ કોર્પોરેશન તંત્ર દ્વારા મેલેરિયા નિયંત્રણની કામગીરી માટે વિવિધ આયોજન હાથ ધરી કાર્યવાહી શરૂ કરાઇ

અમદાવાદ, તા.૨૬: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઇકાલથી શહેરભરમાં વિશ્વ મેલેરિયા દિવસના સંદર્ભમાં જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. ખમાસા-દાણાપીઠ ખાતેના મુખ્યાલયમાં પ્રવેશનારા મુલાકાતીઓને મેલેરિયાના મચ્છર અંગેની સમજણ આપવા વિવિધ બાઉલમાં મચ્છરના પોરા મૂકીને તેનું ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું. તંત્ર દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થાના ઝીરો મેલેરિયા સ્માર્ટ વિથ મીના થીમના આધારે શહેરને આગામી વર્ષ ર૦રર સુધીમાં મેલેરિયામુક્ત કરવાની જાહેરાત પણ કરાઇ છે, જોકે આમાં આઘાતજનક બાબત એ છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ મચ્છરના નાશ માટે ધુમાડો ફેલાવતાં ફોગિંગ મશીન પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં મ્યુનિ. કોર્પોરેશન આગામી દિવસોમાં લાખો રૂપિયાના ખર્ચે વધુ ૧૦૦ થર્મલ ફોગિંગ મશીન ખરીદશે. અમ્યુકો તંત્રના આ નિર્ણયને લઇ આગામી દિવસમાં સત્તાધીશો વધુ એક નવા વિવાદમાં સપડાય તેવી શકયતા છે. અમ્યુકો તંત્ર દ્વારા મેલેરિયા નિયંત્રણની કામગીરી માટે વિવિધ આયોજન હાથ ધરાયાં છે, જેમાં તમામ શાળામાં જઇને વિદ્યાર્થીઓને મેલેરિયા લાઇફ સાઇકલનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન બતાવવું, વિભિન્ન શૈક્ષણિક સંસ્થાન, કોમર્શિયલ સાઇટ તથા કોમર્શિયલ એકમો ખાતે મચ્છર ઉત્પત્તિનાં સ્થાન ઊભાં ન થાય તે માટે જરૂરી ચેકિંગની કામગીરી હાથ ધરવી. રેલવે, એરપોર્ટ, ઇન્કમટેક્સ બિલ્ડિંગ, કન્સ્ટ્રક્શન સાઇટ વગેરે એકમો પાસેથી નક્કી કરેલો વહીવટી ચાર્જ વસૂલ કરીને ફોગિંગની કામગીરી કરી આપવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. ધુમાડો ઓકતાં થર્મલ ફોગિંગ મશીન નાગરિકોના આરોગ્ય માટે હાનિકારક છે. તંત્ર દ્વારા પારેથામ નામની પ્રવાહી સ્વરૂપની મચ્છર મારવાની દવાનો ફોગિંગ મશીનમાં ઉપયોગ થાય છે, જે ધુમાડામાં ફેરવાઇને મચ્છરનો નાશ કરે છે, પરંતુ જો આ ધુમાડો નાગરિક વધુ પ્રમાણમાં લે તો તેનાં ફેફસાંને નુકસાન થઇ શકે છે. તેમ છતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ દિવસ-રાત રપ૦ જેટલાં નાના થર્મલ ફોગિંગ મશીન અને આઠ જેટલાં વિહિકલ માઉન્ટેડ થર્મલ ફોગિંગ મશીનનો ઉપયોગ કરીને શહેરભરમાં ધુમાડો કરે છે. મોટું થર્મલ મશીન રૂ.૧પ થી ર૦ લાખમાં અને નાનું થર્મલ મશીન રૂ.૪૦ થી ૮૦ હજારની કિંમતનું હોય છે, જોકે આ મશીન આઇએસઆઇ સ્ટાન્ડર્ડ ધરાવતાં નથી તેવો વિવાદ પણ ઊઠ્યો છે. હવે સત્તાધીશોએ વધુ ૧૦૦ નાનાં થર્મલ ફોગિંગ મશીન ખરીદવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. જે એક પ્રકારે વિશ્વ આરોગ્ય સંસ્થાનાં ધારાધોરણનો ખુલ્લેઆમ ભંગ છે. તંત્ર ૧૦૦ નાનાં અને છ વિહિકલ માઉન્ટેડ મોટાં કોલ્ડ ફોગિંગ મશીન પણ ખરીદશે. કોલ્ડ મશીનમાં મચ્છરનાશક દવા પાણીના સ્વરૂપે આસપાસ ફેલાતી હોઇ તેને વિશ્વ આરોગ્ય સંસ્થાની માન્યતા મળી છે. હાલમાં નાના કોલ્ડ મશીનની કિંમત રૂ.એક લાખ અને મોટા મશીનની કિંમત રૂ.ર૦ લાખ છે, જોકે સત્તાધીશોએ કોલ્ડ ફોગિંગની સાથે-સાથે થર્મલ ફોગિંગને પણ એટલું જ મહત્ત્વ આપતાં આ બાબત વિવાદાસ્પદ બની છે.

(9:46 pm IST)