ગુજરાત
News of Friday, 26th April 2019

ગુજરાતના ખેડૂતો સામે દાવો માંડનારી પેપ્સીકો સામે રોષ

પેપ્સીની તમામ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવા ધમકી : ખાવાના સાંસા છે તેવા ખેડૂત પર દાવો કરનાર સામે રોષ

અમદાવાદ,તા. ૨૬ : રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક કરાવેલી ખાસ વેફર માટેની જાતના બટાકા ઉગાડવા બદલ વિશ્વની અગ્રણી ચિપ્સ બ્રાન્ડ લેઝની માલિક પેપ્સિકો ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નવ ખેડૂતોને ગત સપ્તાહે કોર્ટમાં ઢસડી ગઈ છે. એટલું જ નહીં, બુધવારે પેપ્સિકોએ અમદાવાદની કોર્ટમાં આ દરેક ખેડૂત સામે રૂ. ૧-૧ કરોડની નુકસાની માગી છે, જે મોડાસાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તમામ સામે કરેલા પ્રત્યેક રૂ. ૨૦ લાખના નુકસાનીના દાવા ઉપરાંત છે. હવે આ સમાચાર ફેલાતાં જ દેશભરના ટ્વીટરાટીસ એટલે કે ટ્વીટરનો ઉપયોગ કરનારાએ પેપ્સિકો સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો છે. દેશના ગરીબ ખેડૂતોને ખાવાના સાંસા છે ત્યાં તેમની પર આમ ૧-૧ કરોડનો દાવો માંડીને પેપ્સિકોએ પોતાની બેશરમીનું સૌથી મોટું ઉદાહરણ આપ્યું હોવાની લાગણી વ્યક્ત કરતા ટ્વીટરાટીસે હવેથી પેપ્સીની તમામ બ્રાન્ડ અને પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની ધમકીઓ પણ આપી છે. જેને પગલે હવે પેપ્સીકો સામે અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાંથી વિરોધ અને આક્રોશ સામે આવી રહ્યા છે. ટવીટર પર નિર્દોષ ખેડૂતો સામેનો કેસ પાછો ખેંચવા પેપ્સિકો પર દબાણ લાવવા સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે. તો, મોટાભાગની ટ્વીટ્સમાં પેપ્સિકોને ગાળો ભાંડવામાં આવી છે. જ્યારે ૧૯૦થી વધુ ચળવળકારો-કાર્યકરો અને ખેડૂત હિમાયતીઓએ સરકારને વિનંતી કરી છે કે તે પેપ્સિકો પર દબાણ લાવે જેથી આ પ્રકારના ખોટા કેસ તે કરે નહીં અને કરેલા કેસ પણ પાછા ખેંચે. પેપ્સીકોનો દાવો છે કે, તેની પાસે જે બટાકાની જાતને ઉગાડવા માટેના પ્લાન્ટ વેરાઈટી પ્રોટેક્શન (પીવીપી) રાઈટ્સ છે તેનું આ ખેડૂતોએ ઉત્પાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પેપ્સીએ અમદાવાદની કોર્ટમાં પોતાના દાવામાં ચારમાંથી પ્રત્યેક ખેડૂત પાસે રૂ. ૧-૧ કરોડની નુકસાનીની માંગણી કરી છે. જ્યારે અગાઉ મોડાસા કોર્ટમાં તેણે નવ ખેડૂતો સામે કેસ કરીને દરેક પાસેથી રૂ. ૨૦-૨૦ લાખની નુકસાનીની માગણી કરી હતી. આ બાબતની જાણ થતાં જ સ્ટેન્ડ-અપ-કોમેડિયન અભિજિત ગાંગુલીએ ટ્વીટ કરીને હવેથી પેપ્સિકોની તમામ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે અને બીજા લોકોને પણ તેની હાકલ કરી છે. જ્યારે રવિ નાયર નામના પત્રકારે લખ્યું હતું કે, આશા રાખીએ કે પેપ્સિકો તેની પેપ્સીમાં વપરાતા ભૂગર્ભજળનો ઉપયોગ કરવા બદલ લોકો સામે દાવો નહીં માડે. અનેક લોકોએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેઓ હવેથી પેપ્સીનું એક પણ પ્રોડક્ટ નહીં ખરીદે. આમ, પેપ્સીકો સામે હવે દેશભરમાં લોકોમાં ભારોભારો આક્રોશ ફાટી નીકળ્યો છે, જેને લઇ સમગ્ર મામલો ગરમાયો છે.

(8:26 pm IST)