ગુજરાત
News of Friday, 26th April 2019

બોપલમાં બિલ્ડર ગ્રુપ ઉપર ITના પડેલા વ્યાપક દરોડા

ઇન્ડક્ટોથર્મની ૭૧ હજાર ચોમી જગ્યા ટાંચમાં : આઇટી વિભાગના દરોડામાં ૧૫૦ કરોડના બિનહિસાબી વ્યવહારો સપાટી ઉપર : રૂપિયા ૫૫ લાખની રોકડ કબજે

અમદાવાદ,તા. ૨૬ : ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બોપલમાં આવેલા ઇન્ડક્ટોથર્મની કરોડોની જમીન પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કરતા ત્રણ બિલ્ડર ગ્રુપની ચાર જેટલી પ્રિમાઇસીસ પર આજે અચાનક દરોડા પાડવામાં આવતાં બિલ્ડર લોબી અને ઇન્ડકટોથર્મ ગ્રુપમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. આઇટી વિભાગના અધિકારીઓએ દરોડા દરમ્યાન રૂ.૧૫૦ કરોડનાં બિનહિસાબી વ્યવહારો પણ શોધી કાઢ્યા છે. તો, ઇન્ડક્ટોથર્મની કરોડો રૂપિયાની ૭૧ હજાર ચો.મી જગ્યા ટાંચમાં લઇ લીધી છે. દરોડા દરમિયાન આઇટી વિભાગના અધિકારીઓએ રૂ.૫૫ લાખ રોકડા પણ જપ્ત કર્યા હતા. ઇન્ટમટેક્સ વિબાગના અધિકારીઓ દ્વારા બોપલ સાઇડના રાજ્યશ બિલ્ડર, સમર્થ બિલ્ડર અને સિલ્વર ઇન્ફ્રકોમ ગ્રુપની ચાર પ્રિમાઇસિસમાં સર્ચ ચાલી રહ્યું છે. જેમાં રૂ. ૫૫ લાખ રોકડા પણ મળી આવ્યા છે. તપાસ દરમિયાન હજુ રોકડમાં થયેલા કરોડોના વ્યવહારોની વિગતો સામે આવે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. થોડા સમય પહેલા રાજ્યશ બિલ્ડર ગ્રૂપ, સમર્થ બિલ્ડર ગ્રૂપ તથા સિલ્વર ઇન્ફ્રાકોમ મોટા પાયે ટીઆરપીના નામે કન્સ્ટ્રક્શન કરી રહ્યા હોવાની વિગતો ડિપાર્ટમેન્ટને મળી હતી. જેને પગલે જરૂરી તૈયારી કર્યા બાદ ડિપાર્ટમેન્ટની જુદી જુદી ત્રણ ટીમો બિલ્ડરોની ચાર પ્રિમાઇસીસ પર દરોડા પાડયા હતા. જે પૈકી બે ઓફિસ તો બોપલ ટીઆરપી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ છે. જ્યારે રાજ્યશ બિલ્ડર ગ્રૂપની શ્યામ ચાર રસ્તા નજીકના મૌર્યાસ બિલ્ડિંગ ખાતે તથા સમર્થની પકવાન ચાર રસ્તા નજીકની ઓફિસમાં સર્ચ ચાલી રહ્યું છે. સર્ચ દરમિયાન રાજ્યશ બિલ્ડરગ્રૂપના રૂ. ૧૦૦ કરોડના રોકડમાં થયેલા વ્યવહારોની વિગતો મળી છે. જ્યારે સિલ્વર, ઇન્ફ્રાકોમના ૨૫ કરોડના અને સમર્થના પણ કરોડો રૂપિયાના વ્યવહારોની વિગતો સામે આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, આ ત્રણેય બિલ્ડર ગ્રુપ પાસેથી દોઢસો કરોડ કરતા વધુના બિનહિસાબી નાણાના વ્યવહારો સામે આવ્યા છે. રાજ્યશ બિલ્ડર ગ્રુપના રાજન શાહ, સમર્થ ગ્રુપના જિજ્ઞેશ અરવિંદ શાહ તથા સિલ્વર ઇન્ફ્રાકોમના દસ પાર્ટનરોના હાલ જે ઇન્ડક્ટોથર્મની જમીન પર કન્સ્ટ્રક્શનની કામગીરી કરી રહ્યાં છે. તે જમીન તેમણે ગણપત ચૌધરી પાસેથી કેવી રીતે ખરીદી તેની તપાસ ચાલી રહી છે. આઇટી વિભાગના અધિકારીઓએ ઇન્ડકટોથર્મ કંપનીની કરોડો રૂપિયાની ૭૧ હજાર ચો.મી જગ્યા પણ ટાંચમાં લઇ લેતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. આઇટી વિભાગે હવે ઇન્ડકટોથર્મ કંપનીની ભૂમિકા અને તેની સંડોવણીને લઇને પણ સમગ્ર કેસમાં ઝીણવટભરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(8:24 pm IST)