ગુજરાત
News of Friday, 26th April 2019

થરાદ-સાંચોર હાઇવે પર બસ-જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત: ત્રણ શખ્સોએ જીવ ગુમાવ્યો

મહેસાણા:થરાદ સાંચોર હાઈવે પર આવેલા પીલુડા માર્કેટયાર્ડ પાસે ગુરુવારની બપોરના સુમારે લક્ઝરી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર અકસ્માતમાં જીપનો ભાગ ભાગીને ભુક્કો થઈ ગયો હતો. જેમાં  ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જી લક્ઝરી બસનો ચાલક ગાડી મુકી ભાગી છુટયો હતો. અકસ્માતના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો.

થરાદ, સાંચોર હાઈવે માર્ગ પર દિનપ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પાંચ દિવસ અગાઉ થરાદ, સાંચોરના જાણદી નજીક સર્જાયેલા અકસ્માતમાં એક મહિલા અને યુવકનું મોત નિપજ્યું હતું અને બે ઘાયલ થયા હતા. જેમાં આજે ગુરુવારના રોજ થરાદ, સાંચોર હાઈવે પર આવેલા પીલુડા માર્કેટયાર્ડ નજીક બપોરના દોઢ વાગ્યાના સુમારે રાજસ્થાન તરફથી એક લક્ઝરી બસ મુસાફરો ભરી પસાર થઈ રહી હતી ત્યારે સામે આવતી એક જીપ સાથે ધડાકાભેર ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપમાં સવાર ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

(5:27 pm IST)