ગુજરાત
News of Friday, 26th April 2019

વડોદરામાં ડ્રામા આર્ટીસ્ટ પ્રાચી મોર્યની હત્યા પૂર્વ બોયફ્રેન્ડ વસીમ મલેકે કરી હતીઃ ધરપકડ

વડોદરા: વડોદરામાં ડ્રામા આર્ટિસ્ટ યુવતી પ્રાચી મોર્યના હત્યાનો ભેદ ક્રાંઈમ બ્રાન્ચ અને પીસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો છે. પોલીસે હત્યામાં સંડોવાયેલા યુવતીના પૂર્વ બોયફ્રેન્ડ વસીમ મલેકની પોલીસે ધરપકડ કરી છે.

ખંભાતથી ડ્રામા પુરો કરી મૃતક પ્રાચી મોર્ય વડોદરા પરત ફરી હતી. મોડી રાત્રે પ્રાચીને તેના મિત્ર અંકિત ઘરે મુકવા પહોંચ્યો હતો. જ્યાં પહેલાથી જ વસીમ મલેક હાજર હતો. પ્રાચીએ અંકિતને પાછો મોકલી દઇ વસીમ સાથે વાતચીત કરી હતી. વસીમ અને પ્રાચી વચ્ચે છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. જે પ્રાચીએ બ્રકઅપ કરી નાખતા વસીમ નર્વસ થઇ ગયો હતો.

બ્રેકઅપ બાદ પણ વસીમ અને મૃતક પ્રાચી વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. મૃતક પ્રાચી અને વસીમ વચ્ચે વાતચીત દરમિયાન ઘર્ષણ થયું સાથે ઝપાઝપી થઇ હતી. તે દરમિયાન વસીમે પ્રાચીનું એક નહીં પરંતુ ચાર ચાર વખત ગળું દબાવી હત્યા કરી નાખી હતી. મૃતક પ્રાચીની હત્યા થયા બાદથી જ વસીમ ફરાર હતો.

મોડી રાત્રે પ્રાચી છેલ્લે વસીમ સાથે હતી જેથી પોલીસને વસીમ પર વધુ શંકા હતી. પોલીસે સઘન તપાસ કરતા વસીમ રેલવે સ્ટેશન પરથી ઝડપાઇ ગયો હતો. અને પોલીસ પૂછપરછમાં વસીમે હત્યાનો ગુનો કબુલી લીધો હતો. ડીસીપી ક્રાઇમે આરોપી વસીમ મલેકની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(4:44 pm IST)