ગુજરાત
News of Friday, 26th April 2019

અલ્‍પેશ ઠાકોરનો નિર્ણય લેવામાં ‘સમય' પસાર થશેઃ સ્‍પીકર એના પત્રની ‘ખરાઇ' કરાવશે

ધારાસભ્‍ય પદ ગુમાવવું પડે તેવી પ્રવૃતિ છે કે નહિ તે તપાસ પાત્ર

રાજકોટ, તા. ૨૬ :. બનાસકાંઠાના રાધનપુરના ધારાસભ્‍ય અલ્‍પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધેલ પરંતુ ધારાસભ્‍ય પદ જાળવી રાખતા કોંગ્રેસે તેની સામે પગલા લેવા વિધાનસભા સચિવને લેખીત રજૂઆત કરી છે. કોંગ્રેસની રજુઆત વિધિવત રીતે વિધાનસભાના અધ્‍યક્ષ સુધી પહોંચી નથી પરંતુ પહોંચ્‍યા પછી કાયદાકીય પ્રક્રિયા શરૂ થશે. અલ્‍પેશ ઠાકોર અંગેનો નિર્ણય લેવામાં ખાસ્‍સો સમય પસાર થઈ જાય તેવા સંકેત છે. તે દરમિયાન કોંગ્રેસમાં આંતરિક સમાધાન થઈ જાય તો અલ્‍પેશની બાબતમાં કોઈ અણધાર્યો વળાંક પણ આવી શકે છે.

અલ્‍પેશે રાજીનામા પત્ર કોંગ્રેસને મોકલેલ તે પત્રની નકલ સ્‍પીકરને રજૂઆત વખતે જોડવામાં આવી હશે તો તેને ધ્‍યાને લઈ સ્‍પીકર દ્વારા અલ્‍પેશની સહીની ખરાઈ કરવામાં આવશે. કોંગ્રેસ અને અલ્‍પેશ બન્ને પક્ષને સાંભળ્‍યા પછી સ્‍પીકર પોતાનો નિર્ણય જાહેર કરશે. કોંગ્રેસે રજુઆત કર્યા મુજબ અલ્‍પેશ ઠાકોર દ્વારા ધારાસભ્‍ય પદ ગુમાવવુ પડે તેવી કોઈ પ્રવૃતિ કરવામાં આવી છે કે કેમ ? તેની વિધિવત ખાતરી કરવામાં આવશે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે. આ બાબતે કાનૂની લડતની સંભાવના નકારાતી નથી.

(4:16 pm IST)