ગુજરાત
News of Friday, 26th April 2019

અમદાવાદ એરપોર્ટ પર પ્રાણીઓની ઘુસણખોરી અટકાવવા પેરામીટર ડિટેક્શન સિસ્ટમ લગાવાશે

ઇઝરાયલથી સિસ્ટમ મંગાવાશે ;અંદાજે 50 કરોડનો થશે ખર્ચ ;વિડિઓ એલાર્મ અથવા વાઈબ્રેશનથી પ્રાણીઓની ઘૂસણખોરીની કરશે જાણ

અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં પ્રાણીઓની થતી ઘુસણખોરીને રોકવા સત્તાધીશો ગંભીર બન્યા હોય તેમ નવી પેરામીટર ડિટેક્શન સિસ્ટમ કાર્યરત કરાશે જેથી એરપોર્ટમાં પ્રાણીઓની થતી ઘુસણખોરી પર અંકુશ લાવી શકાશે.

  અમદાવાદ એરપોર્ટના રન-વે તેમજ એપ્રોન એરિયામાં વાંદરાઓ, કુતરાઓ, સસલાઓ તેમજ ગાય ઘુસી જવાની ઘટનાઓ બની છે જેના કારણે ઓથોરિટી વિવાદમાં આવી છે. એરપોર્ટના સાડા ત્રણ કિ.મી લાંબા રન-વે પરથી ગમેત્યાં પ્રાણીઓની ઘુસણખોરીથી સત્તાધીશો ચિંતીત છે. ત્યારે એરપોર્ટ પર પેરામીટર ઇન્ટ્રુઝન સિસ્ટમ (પીઆઇડીએસ) લગાવવાનું નક્કી કર્યુ છે

 આ અત્યાધુનિક સિસ્ટમથી એરપોર્ટની દિવાલની અડીને કોઇપણ પ્રાણી ઘુસણખોરી કરશે તો તેને ડિટેક્ટ કરી એલર્ટ કરશે એટલે કે વિડિયો દ્વારા એલાર્મ અથવા વાઇબ્રેશનથી પ્રાણીઓને ઘુસણખોરીની જાણ થઇ જશે. આમ તુરંત જ ટીમ દ્વારા આ પ્રાણીઓને હટાવી દેવાશે જેથી ફલાઇટના ટેકઓફ-લેન્ડીંગમાં અડચણ ઉભી ન કરે.

 આ અંગે એરપોર્ટ ડિરેક્ટર મનોજ ગાંગલે જણાવ્યુ હતુ કે આ ડિટેક્શન સિસ્ટમ સ્પેશિયલ ઇઝરાયેલથી મંગાવવામાં આવશે જેના માટે 50 કરોડનો ખર્ચ થાય તેમ છે જેના બજેટની પ્રપોઝલ અમે કેન્દ્રમાં મુકી છે. જો પાસ થઇ જશે તો એક વર્ષમાં આ સિસ્ટમ લાગી જશે.

(11:36 am IST)