ગુજરાત
News of Friday, 26th April 2019

લો કર લો બાત

સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો ભર ઉનાળે વધી રહ્યો છે છતાં ગુજરાત તરસ્યું

નવી દિલ્હી તા. ૨૬ : નર્મદા કંટ્રોલ ઓથોરિટી જે સરદાર સરોવર ડેમનું સંચાલન કરવાનું કામ કરતી સંસ્થા દ્વારા આપવામાં આવેલ આંકડાને ધ્યાન પર લેવામાં આવે તો માર્ચ મહિના બાદ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. રેકોર્ડ મુજબ ૩ માર્ચના રોજ ડેમમાં જળ સપાટી ૧૧૫.૫૫m હતી જે ૧૬ એપ્રિલના રોજ વધીને ૧૧૯.૧૪m થઈ ગઈ હતી.

સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો ભર ઉનાળે વધી રહ્યો છે. જયારે ભારતીય હવામાન ખાતાએ તો જાહેર કર્યું હતું કે ૨૦૧૮નું ચોમાસું નર્મદા વેલી માટે નબળું રહ્યું છે અને એવરેજ ૨૪% જેટલો ઓછો વરસાદ પડ્યો છે. ગત વર્ષે ૧૬ એપ્રિલ ૨૦૧૮ના રોજ સરદાર સરોવરમાં પાણીનું સ્તર ૧૦૫m હતું. જયારે સરદાર સરોવર ડેમના ફીડર તરીકે ઉપરની તરફ મધ્યપ્રદેશમાં નર્મદા નદી પર આવેલ ઇન્દિરા સાગર ડેમમાં પાણીનું સ્તર ૧૬ એપ્રિલ ૨૦૧૯ના રોજ ૨૫૩.૮m હતું જે પૈકી ૩૬૬૮ MCM જેટલો પાણીનો જથ્થો લાઇવ સ્ટોરેજ છે.

નિષ્ણાંતો મુજબ જયારે આ વર્ષે નર્મદા વેલીમાં ચોમાસાની શરૂઆત થશે ત્યારે સરદાર સરોવર ડેમ ૩૦ જૂન પહેલા ઓછામાં ઓછું ૨૧૫૦ મિલિયન કયુબિક મીટર(MCM) પાણીનો જથ્થો મેળવશે. સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના ચેરમેન એસ.એસ. રાઠોડના જણાવ્યા મુજબ 'નેશનલ વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ(NWDT) મુજબ જો ચોમાસાની દ્રષ્ટીએ વર્ષ સામાન્ય રહે તો ગુજરાત વર્ષભરમાં ૯ મિલિયન એકર ફીટ(MAF) પાણી મેળવે છે. આ વર્ષે ચોમાસું નબળું હતું માટે ગુજરાત નર્મદાના પાણીને લઈને કરવામાં આવેલ આંતરરાજય કરાર મુજબ પોતાના ભાગના ૩૨% પાણી એટલે કુલ ૬.૭ MAF જેટલું જ પાણી મેળવશે.'

રાઠોડે કહ્યું કે, 'આપણે અત્યાર સુધી ૬.૪ MAF જેટલું પાણી મેળવ્યું છે અને આગામી ચોમાસા પહેલા હવે ૦.૩ MAF જેટલું પાણી હજુ આપણે મેળવવાનું બાકી છે.' જોકે કેટલાક નિષ્ણાંતોના મત રાઠોડની વાત સાથે સહમત નથી. સાઉથ એશિયા નેટવર્ક ઓન ડેમ્સ, રીવર્સ એન્ડ પીપલ(SANDRP)ના કોર્ડિનેટર હિમાંશુ ઠક્કર મુજબ 'જો સામાન્ય વરસાદવાળું વર્ષ હોય અને ગુજરાતના ભાગે ૯ MAF નર્મદા જળ આવે છે તો મધ્યપ્રદેશ ફકત ૮.૧૨ MAF જેટલું જ પાણી તેમના ડેમમાંથી છોડે છે. જયારે બાકીના પાણીનો જથ્થો નર્મદા વેલીના ફ્રી કેચમેન્ટ વિસ્તાર તરીકે ઓળખાતા ભાગમાંથી કુદરતી રીતે જ ગુજરાત તરફ વહી આવે છે.' તેમના મત મધ્યપ્રદેશ વીજળીના ઉત્પાદન માટે ઇન્દિરા સાગર ડેમમાંથી વધુ પાણી છોડી શકે છે.

તેથી ઠક્કરના મતે જો ગુજરાત આ વખતે ૨૮% જેટલા ઓછા વરસાદને જોતા ૯ MAFની જગ્યાએ ૬.૭ MAF પાણીનો જથ્થો જ મેળવવા પાત્ર છે તો મધ્યપ્રદેશ ફકત ૫.૮ MAF જેટલું જ પાણી છોડશે, જોકે મધ્યપ્રદેશે અત્યાર સુધીમાં ૬.૪ MAF જેટલું પાણી છોડ્યું છે. જેથી ઠક્કરે સવાલ ઉઠાવ્યા છે કે આ રીતે જોતા જો ગુજરાત પાસે હોવું જોઈએ તેના કરતા વધારે પાણી સરદાર સરોવર ડેમમાં છે ત્યારે શા માટે આ પાણી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને સપ્લાય કરવામાં નથી આવતું.

જયારે પર્યાવરણવિદ્ રોહિત પ્રજાપતિએ માગણી કરી છે કે ગુજરાત સરકારે સરદાર સરોવર ડેમના પાણીની બેલેન્શ શીટ જાહેર કરવા કહ્યું છે જેથી જાણ થાય કે ગુજરાત નર્મદા અને અન્ય પાણીના  સ્ત્રોત પૈકી કેટલું અને કેવી રીતે પાણી વાપરે છે. ૧૮ એપ્રિલ ૨૦૧૯ના રોજ સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર વધીને ૧૧૯.૨૦m પહોંચ્યું છે. રાઠોડે અંતે કહ્યું હતું કે, 'જો નર્મદા સરોવર ડેમની મૂળ શરતોને ધ્યાને રાખવામાં આવે તો તે મુજબ ઉનાળુ પાક માટે નર્મદા પાણીનો ઉપયોગ નથી ફકત પીવ માટે જ નર્મદા પાણીનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે.'

(11:33 am IST)