ગુજરાત
News of Friday, 26th April 2019

શારીરિક સંબંધના ઇનકાર બાદ પત્નિ પર હુમલો થયો

પત્નીએ બૂમાબૂમ મચાવતાં પતિનું કૂદતા મોત : દસ દિવસ પહેલાં પણ મોબાઇલ રિચાર્જની બાબતે ઝઘડો થયો હતો : પત્નિ ઉપર પતિનો છરી મારફતે હિંસક હુમલો

અમદાવાદ,તા. ૨૫ : શહેરના નારોલ વિસ્તારમાં શારિરીક સંબંધ બાંધવાનો ઇનકાર કરવા પર પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. પત્નીએ બૂમાબૂમ કરતા પતિ લોકોના ડરથી પાંચમા માળેથી કૂદી ગયો હતો અને તેનું મોત થયું હતું. પત્નીએ પતિ વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજીબાજુ, પોલીસે પણ હવે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જો કે, પતિ-પત્ની વચ્ચેના આ અણબનાવ અને ઝઘડા, હુમલાને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નારોલના આકૃતિ ટાઉનશીપના ડી બ્લોકમાં રહેતા ૪૫ વર્ષના અલ્કાબેન અને તેના પતિ ધીરૂભાઈ ઠાકોરનો ૧૦ દિવસ પહેલા મોબાઇલ રિચાર્જ બાબતે ઝઘડો થયો હતો. જેનાથી નારાજ પત્નીએ પતિને શારિરીક સંબંધ બાંધવાની ના પાડતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગુસ્સે ભરાયેલા પતિએ પત્ની પર પથ્થર અને છરી દ્વારા હુમલો કર્યો હતો. પત્નીનું મોત થઇ ગયું છે તેવું માનીને પતિએ આસપાસના લોકોના ડરથી વચવા ધાબા પરથી કૂદકો મારી દીધો હતો. જેમાં પતિનું પણ કરૂણ મોત નીપજયું હતુ. બીજીબાજુ, પત્નીએ સમગ્ર મામલે નારોલ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

પતિ-પત્ની વચ્ચેની સહેજ અણસમજણમાં કેટલી હદ સુધી વાત પહોંચે તેનો આ ચેતવણીરૂપ કિસ્સો છે, જેને લઇ પતિ-પત્નીએ કોઇપણ વાત હવે હળવાશથી લઇ તેનો સમાધાનકારી નિકાલ લાવવો જોઇએ નહી, આવેશ કે ઉશ્કેરાટમાં આ પ્રકારના અંજામ આવી શકે એવી પણ ચર્ચા સ્થાનિકોમાં જાગૃત નાગરિકોમાં ચાલી હતી.

(8:18 pm IST)