ગુજરાત
News of Friday, 26th March 2021

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં માર્ક્સ કૌભાંડ : MBBSમાં નાપાસ થયેલાં ભાજપના નેતાના પુત્રને પાસ કરી દેવાયો

પાર્થ મહેશ્વરી પાલનપુર ભાજપના અગ્રણીનો પુત્ર:પાર્થના માતા હંસાબેન અશોકભાઈ મહેશ્વરી પાલિકાના પૂર્વ પ્રમુખ :હાલ ભાજપના શાસક પક્ષના નેતા

અમદાવાદ :ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં (HNGU) માર્ક્સ કૌભાંડ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. અને હવે તેમાં પણ ભાજપ નેતાના પુત્રનું નામ સામેલ થતાં આ વિવાદે વધુ જોર પકડ્યું છે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSનાં નાપાસ થયેલાં ત્રણ વિદ્યાર્થીઓને રિ એસેસમેન્ટમાં પાસ કરી દેવાયા હતા. અને હવે આ 3 વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી પાલનપુરના ભાજપના શાસક પક્ષના નેતાનો પુત્ર છે.

પાટણ યુનિવર્સિટીમાં MBBS નાપાસ થયેલ 3 વિદ્યાર્થીને પાસ કરવા મામલે 392 નંબરનો વિદ્યાર્થી ભાજપના અગ્રણીનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. 392 નંબરના વિદ્યાર્થીનું નામ પાર્થ કુમાર અશોકભાઈ મહેશ્વરી હોવાનું સામે આવ્યું છે.

પાર્થ મહેશ્વરી પાલનપુરના ભાજપના અગ્રણીનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. પાર્થના માતા હંસાબેન અશોકભાઈ મહેશ્વરી પાલનપુર પાલિકાના પૂર્વ પ્રમુખ હતા અને હાલ ભાજપના શાસક પક્ષના નેતા છે.

વર્ષ 2018માં મેડિકલની FY MBBSની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા. અને ત્યારબાદ આ મામલે તપાસ સોંપાઈ હતી અને તેનો રિપોર્ટ કારોબારીમાં સોંપવામાં આવ્યો હતો. વર્ષ 2018માં FY MBBS માર્ચ- જૂન માસમાં લેવાનાર પરીક્ષાના પરિણામ બાદ 10 વિદ્યાર્થીઓએ રીઅસેસમેન્ટ માટે અરજી કરી હતી. જેમાં ગેરરીતિ સામે આવતી આ મામલે કમિટી બનાવી તપાસ કરવામાં આવી હતી. કમિટીના તપાસ રિપોર્ટમાં સામે આવ્યું કે ત્રણ નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા હતા. જે બાદ આ મામલે વિદ્યાર્થી સંગઠનો સહિત કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

(10:29 am IST)