ગુજરાત
News of Thursday, 26th March 2020

ભાજપનો દરેક કાર્યકર પોલીસ અને તંત્રની મદદ માટે ખડેપગે : જરૂરિયાતમંદો માટે કીટ બનાવવા સૂચના : જીતુભાઇ વાઘાણી

ભાજપના દરેક કાર્યકર વ્યક્તિઓના ભોજનની વ્યવસ્થા કરે: મહાઅભિયાનમાં એક કરોડ કાર્યકરો જોડાશે : જે,પી,નડ્ડા

ગાંધીનગર : દેશભરમાં કોરોના વાયરસના કહેરને કારણે લોકડાઉન કરાયું છે ત્યારે મજૂરો અને રોજનું રોજ કામ કરી જીવન નિર્વાહ ચલાવતા શ્રમિકોની સ્થિતિ કફોડી બની છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ 1 કરોડ કાર્યકરોને મહા ભોજન અભિયાન ચલાવવા આદેશ કર્યો છે. ભાજપના પદાધિકારીઓ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં દેશવ્યાપી લોકડાઉન અંગે લોકોને સમજાવવા તેમજ જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવા આ અંગે ચર્ચા થઇ હતી.

રાષ્ટ્રીય અધ્યક્ષએ પદાધિકારીઓને સૂચના આપી હતી કે, ભાજપનો દરેક કાર્યકર પાંચ વ્યક્તિઓના ભોજનની વ્યવસ્થા કરે. જેથી કરીને જરૂરિયાતમંદ લોકોને ભોજન મળી રહે. સમગ્ર દેશમાં ભાજપના 1 કરોડ સક્રિય કાર્યકરો આ મહાઅભિયાનમાં જોડાશે. જોકે સાથે જ તેમણે એ પણ ટકોર કરી હતી કે, લોકડાઉનના નિયમોનું પાલન કરવામાં આવે. એટલે કે કોઈપણ કાર્યકરે ભીડ ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. જરૂરિયાત મંદોને મદદ કરવી જરૂરી છે. પણ સાથે જ સોશિયલ ડિસ્ટનસિંગનું પણ પાલન થવું જરૂરી છે. આ તમામ બાબતોનું ધ્યાન રાખી આ મહાઅભિયાન ચલાવવાનું રહેશે

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દાવો કર્યો હતો કે, ગુજરાત ભાજપના કાર્યકરો છેલ્લા બે દિવસથી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહ્યા છે. પ્રદેશ પ્રમુખે પોતે તમામ કાર્યકરોને સંદેશ આપ્યો હતો કે, બુથ સ્તરે લોકડાઉન વિશે લોકોને સમજાવવામાં આવે અને કોરોના સામે લડાઈમાં એક થઈને આ લોકડાઉનને સફળ બનાવવામાં આવે. ભાજપનો દરેક કાર્યકર પોલીસ અને વહીવટી તંત્રની મદદ માટે ખડેપગે છે. જ્યાં પણ તંત્રને જરૂર હશે ત્યાં ભાજપનો કાર્યકર સ્વયંસેવક તરીકે પણ હાજર રહેશે. હાલ પણ જરૂરિયાતમંદોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જરૂરિયાતમંદો માટે એક કીટ બનાવવાની સૂચના પણ આપવામાં આવી છે. જેથી કરીને અન્નનો બગાડ પણ ન થાય અને લોકોને મદદ મળી રહે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચના પ્રમાણે 14 એપ્રિલ સુધી ભાજપના તમામ કાર્યકરો આ અભિયાનમાં જોડાશે અને લોકોને મદદ કરશે.

(9:51 pm IST)