ગુજરાત
News of Thursday, 26th March 2020

અમારે પણ જીવવું છે, 2021 જોઈ શકીએ એવો સહકાર આપવા વિનંતી: મહિલા પોલીસ અધિકારીની ભાવુક પોસ્ટ

લૉકડાઉનની ગંભીરતાને સમજ્યા વગર નિકળતા લોકો માટે મહિલા અધિકારી અર્પિતા ચિંતન પટેલે લખી પોસ્ટ

અમદાવાદઃ કોરોના વાયરસને દેશભરમાં કહેર વર્તાવતા વડાપ્રધાન મોદીએ દેશભરમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 650થી વધુ કેસ નોંધાયા છે જયારે ગુજરાતમાં કુલ 44 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં 3 લોકોના મોત થયા છે. રાજ્યમાં લૉકડાઉનની સ્થિતિ છે. જીવન જરૂરીયાતની વસ્તુ સિવાય તમામ વસ્તુઓ બંધ રાખવામાં આવી છે.પીએમ અને મુખ્યમંત્રી સહીત અનેક અધિકારીઓ અને સરકાર લોકોને ઘરમાં રહેવા માટે કહી રહી છે. પરંતુ હજુ કેટલાક લોકો આ વાતને ગંભીરતાથી લેતા નથી. ત્યારે એક મહિલા પોલીસ અધિકારીએ ભાવુક પોસ્ટ કરી છે

  ગુજરાતના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અર્પિતા ચિંતન પટેલ નામના મહિલા અધિકારીએ પોતાના ફેસબુક પર એક ભાવુક પોસ્ટ કરી છે. તમામ લોકોએ આ પોસ્ટને ગંભીરતાથી લેવી જોઈએ. જે લોકો બેજવાબદાર બનીને લૉકડાઉન છતાં રસ્તાઓ પર નિકળે છે, તેઓ પોતાની જાત તથા અન્ય લોકોને પણ મહા મુશ્કેલીમાં મુકી શકે છે. લોકોની સેવા કરવા માટે પોલીસ વિભાગ 24 કલાક પોતાની ફરજ પર રહીને આ કોરોનાની લડતમાં પોતાની સેવા આપી રહ્યો છે. ત્યારે આવા સમયે તેમને પણ લોકોના સાથ સહકારની જરૂર હોય છે.
  પોતાની ફેસબુક પોસ્ટમાં મહિલા અધિકારીએ કહ્યું કે, "અમારે પણ જીવવું છે, 2021 જોઈ શકીએ એવો સહકાર આપવા વિનંતી છે'. લૉકડાઉનની ગંભીરતાને સમજ્યા વગર નિકળતા લોકો માટે આ પોસ્ટ કરવામાં આવી છે. જે લોકો આવા સમયે બહાર નિકળે છે ત્યારે તેમને રોકવા માટે પોલીસે પણ તેના સંપર્કમાં આવવું પડે છે. હાલ કોરોના વાયરસને કારણે લોકોથી અંતર જાળવવું ખુબ જરૂરી છે

(5:59 am IST)