ગુજરાત
News of Thursday, 26th March 2020

કુલ ૧૧ ફ્લાઇટમાં આવેલા પ્રવાસીને જાણ કરવા અપીલ

ફલાઇટના પેસેન્જરોમાંથી કોરોના દર્દીઓ હતા : હજુય ક્વોરનટાઈન નહીં થયા હોય તો ૧૦૪ ઉપર કોલ કરીને જાણ કરવા કોર્પોરેશન દ્વારા વિધિવત અપીલ કરાઈ

અમદાવાદ, તા.૨૬ : ગુજરાત રાજયમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસોમાં સૌથી વધુ કેકસ વિદેશથી આવેલા વ્યકિતઓના નોંધાયા છે, તેથી હવે લોકોની જાણકારી અને સલામતીને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૧ ફલાઇટનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં નોંધાયેલા ૧૫ કેસો પૈકી ૧૧ કેસોમાં વિદેશથી અને મુંબઇ-દિલ્હીથી ફલાઇટમાં આવેલા લોકોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમ્યુકો સત્તાધીશોએ ખાસ અનુરોધ કર્યો છે કે, જો તમારા પરિવારની કોઇપણ વ્યકિત કે મિત્ર, સગા કે પરિચિત ૧૧ ફલાઇટમાં આવ્યા હોય તો તાત્કાલિક તંત્રને જાણ કરો અને જો તેઓ હોમ કવોરન્ટાઇન ના થયા હોય તો ૧૦૪ અથવા ૧૫૫૦૩ પર ફોન કરી તાત્કાલિક જાણ કરો.

          અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના પોઝિટિવના જે કેસો આવ્યા છે અને જેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉપરોકત ફલાઇટમાં ઉતર્યા છે તેવી ૧૧ ફલાઇટનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમ્યુકો અધિકારીઓએ જણાવ્યું કે, અમદાવાદના નોંધાયેલા ૧૫ કોરોના પોઝિટિવ કેસમાંથી ૧૧ કેસો તો ઉપરોકત ફલાઇટમાં આવેલા પેસેજન્રો જે અમદાવાદમાં ઉતર્યા તેઓેને કવોરન્ટાઇન કરી દેવાયા છે પરંતુ અમદાવાદમાં ઉતરી અન્ય શહેરમાં ગયા હોય કે કવોરન્ટાઇન ના થયા હોય તો તેવા કિસ્સામાં તેમના ઘરના લોકો કે આસપાસના કે આડોશપાડોશના લોકોએ તાત્કાલિક તંત્રને જાણ કરવી અને આવા લોકોને સેલ્ફ કવોરન્ટાઇન થવાની પણ સાથે સાથે અપીલ કરવામાં આવે છે કે જેથી બીજા કોઇ નિર્દોષ નાગરિકોને કોરોના વાઇરસનો ચેપ ના લાગે. ૧૧ ફલાઇટમાં આવેલા પેસેન્જરના કારણે એક કેબ ડ્રાઇવરને પણ કોરોના વાઇરસનું સંક્રમણ લાગી ગયુ અને તે પણ કોરોના પોઝિટિવના સકંજામાં સપડાયો છે. જેથી ફલાઇટમાં આવેલા લોકોને લઇ જનારા અને લેવા ગયેલા લોકો પણ સંક્રમણમાં આવ્યા હોઇ શકે છે તેથી સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ તાત્કાલિક તંત્રને રૂરી માહિતી અને વિગતો પૂરી પાડવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

(8:46 pm IST)