ગુજરાત
News of Thursday, 26th March 2020

આંકલાવ તાલુકાના કહાનવાડીમાં ખેતરમાં બેસવા જેવી નજીવી બાબતે એકને કપાળમાં તલવાર મારી ગંભીર રીતે ઇજા પહોંચાડનાર શખ્સને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

આંકલાવ: તાલુકાના કહાનવાડી તાબે લાલપુરામાં ગત ૨૩મી તારીખના રોજ સાંજના સુમારે ખેતરમાં બેસવા બાબતે અણબનાવ થતાં એકને કપાળમાં તલવાર મારીને તેમજ બીજાને લોખંડની પાઈપ, લાકડાના ડંડા અને ગડદાપાટુથી માર મારતાં એકની હાલત ગંભીર થઈ જવા પામી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે આંકલાવ પોલીસે ૪ શખ્સો વિરૂદ્ઘ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર રણજીતભાઈ સોમાભાઈ પઢિયાર, જીતુભાઈ સામંતભાઈ પઢિયાર, સોમાભાઈ સામંતભાઈ પઢિયાર અને કૈલાસબેન રણજીતસિંહ પઢિયારે ગત ૨૩મી તારીખના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે નરેન્દ્રસિંહ ગુલાબસિંહ પઢિયાર સાથે ખેતરમાં બેસવા બાબતે થયેલા અણબનાવની રીસ રાખીને ઝઘડો કર્યો હતો અને ગમે તેવી ગાળો બોલીને રણજીતભાઈએ તલવાર લઈ આવીને પ્રવિણભાઈને કપાળના ભાગે મારી દીધી હતી. નરેન્દ્રસિંહને જીતુભાઈએ પોતાની પાસેની લોખંડની પાઈપ મોઢાના ભાગે મારી દેતાં બે દાંત પડી જવા પામ્યા હતા. દરમ્યાન ઘરના સભ્યો છોડાવવા વચ્ચે પડતાં સોમાભાઈ તથા કૈલાસબેને લાકડાના ડંડા તેમજ લાતોથી માર માર્યા હતા. દરમ્યાન આસપાસના લોકો એકત્ર થઈ જતાં વધુ મારમાથી છોડાવ્યા હતા.

(5:59 pm IST)