ગુજરાત
News of Thursday, 26th March 2020

દાહોદના પીએસઆઇ પી.કે. જાદવના મોટા ભાઇનું અવસાન થયા બાદ અંતિમવિધી પૂર્ણ કરીને ફરજમાં જોડાઇ ગયાઃ મુખ્‍યમંત્રીએ ફરજ નિષ્‍ઠાને બિરદાવી

ગાંધીનગર: કોરોના વાયરસના સંકટ સામે હાલ સૌ લડી રહ્યાં છે. આપણે સૌ લોકડાઉન વચ્ચે ઘરમાં બેસીને કોરોના સામે લડી રહ્યાં છે. તો બીજી તરફ, અનેક એવા સરકારી કર્મચારીઓ છે જેઓ પોતાના જીવના જોખમે કામ કરી રહ્યાં છે. આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, સફાઈ કર્મચારીઓ, અન્ય જરૂરી વિભાગના કર્મચારીઓ પોતાના અને પરિવારના જીવની પરવાહ કર્યા વગર હાલ પોતાની ફરજ બજાવી રહ્યાં છે. આવામાં એક પોલીસ કર્મચારીના વખાણ કરવા પડે, જેઓ પોતાના મોટાભાઈની અંતિમવિધિ કર્યા બાદ તરત ફરજ પર હાજર આવી ગયા હતા. પોતાની જવાબદારી સમજીને તેઓ કામે લાગી જતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમના વખાણ કર્યા હતા.

દાહોદ ખાતે ફરજ બજાવતા PSI પી.કે.જાદવના મોટાભાઈનું 24 માર્ચ, 2020ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું હતું.મોટાભાઈના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થયા બાદ પીએસઆઈ જાદવે પરિવારને સાંત્વના આપી અને તરફ અમદાવાદથી દાહોદ આવી કોરોના સામેની લડાઈમાં ફરજ પર જોડાઈ ગયા. પીએસઆઈની આ કામગીરી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટેલિફોનિક વાત કરી સરાહના કરી હતી. તો સાથે જ તેમની તસવીર સાથેની ટ્વિટ કરી હતી, જેથી અન્ય લોકો પણ જાગૃત થાય અને પોલીસની આ કપરી ક્ષણને સમજી શકે.

હાલ દેશભરમાં લોકડાઉન છે, છતા અનેક લોકો બહાર નીકળી પડે છે. આવામા પોલીસ લોકોને સમજાવીને પરત મોકલી રહી છે, તો ક્યાંક ન સમજતા લોકોને પોલીસ દંડાવાળી કરતી જોવા મળે છે. પરંતુ જો લોકો 21 દિવસ શિસ્ત દાખવશે તો તેમાં તેમનુ જ ભલુ છે. આમ, નાગરિકો પોલીસ પરનો ભાર પણ હળવો કરી શકશે.

(4:58 pm IST)