ગુજરાત
News of Thursday, 26th March 2020

સુરતમાં શાકભાજીવાળાને માસ્ક પહેરીને કામ કરવાનું કહેતા તેને યુવકને ચપ્પુ માર્યુ

ઇજાગ્રસ્ત થયેલો યુવક કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો હતો

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક શાકભાજીવાળાને એક યુવકે માસ્ક પહેરીને કામ કરવાનું કહેતા શાકભાજીવાળો ઉશ્કેરાઈ ગયો હતો અને યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

 અહેવાલ મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી શાકભાજી માર્કેટમાં સ્થાનિક અતુલ મકવાણા નામનો યુવક શાકભાજી લેવા માટે ગયો હતો અને તે સમયે શાકભાજીવાળા એ માસ્ક ન પહેર્યું હોવાના કારણે અતુલે તેને માસ્ક પહેરીને કામ કરવાની સલાહ આપી હતી હતી. માસ્ક પહેરવાનું કહેતા જ શાકભાજીવાળો ઉશ્કેરાઈ ગયો હતો અને તેને પોતાની પાસે રહેલા ચપ્પુ વડે અતુલ પર હુમલો કર્યો હતો.

 હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા અતુલને નજીકમાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક PI અને TRB જવાનોએ ટ્રાફિક PIની જીપમાં સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને પેટની ડાબી બાજુ પર ચપ્પુનો ઘા લાગતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત થયેલો યુવક કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છે.

(12:49 pm IST)