ગુજરાત
News of Thursday, 26th March 2020

કોરોના વાયરસ સામે લડત : રાજ્યની પ્રથમ કોવિડ-19 હૉસ્પિટલ તૈયાર: સુરતમાં કોવિડ ICU ગુરુવારથી કાર્યરત

 

સુરત : સુરતમાં કોરોના સામે લડવા માટે ખાસ હૉસ્પિટલ તૈયાર કરાઈ છે સિવિલ હૉસ્પિટલ ખાતે સ્ટેમ હૉસ્પિટલ બનીને તૈયાર હતી. હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર આપી શકાય તે માટે તંત્રએ તેને કોરોના માટેની ખાસ હૉસ્પિટલ બનાવી દીધી છે.ગુરુવારથી હૉસ્પિટલ કાર્યરત થઈ જશે

  અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે સારવાર માટે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ખાસ હૉસ્પિટલ બનાવવાની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી હતી.

સુરતમાં સિવિલ હૉસ્પિટલ ખાતે સ્ટેમ હૉસ્પિટલ બનીને તૈયાર હતી. જેમાં થોડું કામ બાકી હતું. આરોગ્ય મંત્રીએ હૉસ્પિટલને કોરોનાની હૉસ્પિટલ બનાવી દેવા તેમજ 100 બેડની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો હતો. જેના પગલે હૉસ્પિટલ ખાતે 100 નહીં પરંતુ 250 બેડની ICU હૉસ્પિટલ બનાવવામાં આવી છે.

   આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ જાતે હૉસ્પિટલની મુલાકાત લઈને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુરુવારથી હૉસ્પિટલ દર્દીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે. હૉસ્પિટલને ગુજરાતની પ્રથમ કોરોના માટેની હૉસ્પિટલ કહી શકાય.

(11:09 pm IST)