ગુજરાત
News of Friday, 26th February 2021

રાજ્યના ધોરણ-9 અને 11માં વિદ્યાર્થીને 150 ગુણના આધારે વર્ગમાં બઢતી અપાશે

પ્રથમ પરીક્ષાના 50 ગુણ, વાર્ષિક પરીક્ષાના 80 ગુણ તથા આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ ગણાશે : ધોરણ-10માં 80 અને ધોરણ-12માં 100 ગુણ રહેશે : શિક્ષણ બોર્ડ દ્વારા વિગતો જાહેર

અમદાવાદ : : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ની પ્રથમ કસોટી અને ધોરણ-9 અને 11ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોના ગુણ તેમ જ આંતરિક મૂલ્યાંકન સહિતની વિગતો જાહેર કરવામાં આવી છે. જયારે ધોરણ-9 અને 11માં વિદ્યાર્થીને 150 ગુણના આધારે વર્ગ બઢતી આપવામાં આવશે. જેમાં પ્રથમ પરીક્ષાના 50 ગુણ, વાર્ષિક પરીક્ષાના 80 ગુણ તથા આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ ગણવામાં આવશે. ધોરણ-9 અને 11માં પ્રથમ કસોટીના 50 ગુણ રહેશે. આ જ રીતે ધોરણ-10માં 80 અને ધોરણ-12માં 100 ગુણ રહેશે. ધોરણ-9થી 11માં આંતરીક મુલ્યાંકનના 20 ગુણ નક્કી કરવામાં આવ્યા છે

રાજ્યમાં ધોરણ-9 અને 11ની પ્રથમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા યોજવા અંગે બોર્ડ દ્વારા તાજેતરમાં આદેશ કરાયો હતો. જેમાં ધોરણ-9થી 12ની પ્રથમ કસોટી 19 માર્ચથી 27 માર્ચ દરમિયાન લેવાનું નક્કી કરાયું છે. જ્યારે ધોરણ-9 અને 11ની વાર્ષિક પરીક્ષા 7 જૂનથી 15 જૂન દરમિયાન લેવાનું નક્કી કરાયું છે. ત્યારબાદ હવે બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ની પ્રથમ કસોટી અને ધોરણ-9 અને 11ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોના ગુણ તેમજ આંતરીક મુલ્યાંકનના ગુણ સહિતની વિગતો જાહેર કરી છે.

ધોરણ-9 અને 11માં પ્રથમ પરીક્ષા 50 ગુણની લેવાશે. જ્યારે ધોરણ-10માં 80 ગુણ અને ધોરણ-12માં 100 ગુણની પ્રથમ પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ધોરણ-9 અને 11ની વાર્ષિક પરીક્ષા 80 ગુણની હશે. ધોરણ-9 અને 11 સાયન્સમાં આંતરીક મુલ્યાંકનના 20 ગુણ નક્કી કરાયા છે. જેમાં 10 ગુણ સામયિક કસોટી એટલે કે એકમ કસોટીના, 5 ગુણ નોટબુક સબમીશનના અને 5 ગુણ સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટિવીટીના રહેશે

 

ધોરણ-10માં પણ 20 ગુણ આંતરીક મુલ્યાંકનના રહેશે. જેમાં પ્રથમ પરીક્ષાના 10 ગુણ, નોટબુક સબમીશનના 5 ગુણ અને સબ્જેક્ટ એનરીચમેન્ટના 5 ગુણ હશે. ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહ સિવાયના પ્રવાહમાં 10 ગુણ ટર્મ પેપરના, 5 ગુણ પુસ્તકાલયમાંથી અભ્યાસના ઉપયોગી એક પુસ્તકના અવલોકનના અને 5 ગુણ પ્રોજેક્ટ્સના નક્કી કરાયા છે. GSHSEB 

શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9 અને 11માં વર્ગ બઢતી માટે કુલ 150 ગુણ પ્રમાણે ગણતરી કરવામાં આવશે. જેમાં પ્રથમ પરીક્ષાના 50 ગુણ, વાર્ષિક પરીક્ષાના 80 ગુણ અને આંતરીક મુલ્યાંકનના 20 ગુણ હશે. આમ, આ વખતે 200ના બદલે 150 ગુણને ધ્યાને લઈને વર્ગ બઢતી આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ઉપરાંત આંતરીક મુલ્યાંકનમાં પણ 10 ગુણ એકમ કસોટીના નક્કી કરાયા હોઈ જે વિદ્યાર્થીઓએ એકમ કસોટીમાં સારો દેખાવ કર્યો હશે તેમને ફાયદો થશે.

(9:10 pm IST)