ગુજરાત
News of Friday, 26th February 2021

ગઠિયાઓ ગાડીનો કાચ તોડીને ૩૦ હજાર રૂપિયા લઈ ફરાર

અમદાવાદના સીજી રોડ વિસ્તારની ઘટના : ફેમિલી સલૂનમાં વાળ કપાવવા તેમજ ફરિયાદીના પત્ની ફેશિયલ કરાવવા જતાં ગઠિયાઓ કળા કરી ગયા

અમદાવાદ,તા.૨૬ : અમદાવાદ શહેરમાં કારના કાચ તોડી કિંમતી માલસામાન અને રોકડ રકમની ચોરી કરતી ગેંગ સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે. ગઇકાલે સિટી પલ્સ મલ્ટિપ્લેક્સના માલિકને સલૂનમાં વાળ કપાવવાનું અને પત્નીનું ફેશિયલ ૩૦ હજાર રૂપિયામાં પડ્યું છે. સલૂન બહાર જગુઆર કાર પાર્ક કરીને સલૂનમાં ગયા ત્યારે ગઠિયો કાચ તોડીને કારમાંથી ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. નવા વાડજ વિસ્તારમાં આવેલા કરુણા સોસાયટીમાં રહેતા અને સીજી રોડ ખાતેના સિટી પલ્સ મલ્ટિપ્લેક્સના માલિક અર્પિત મહેતાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ આપી છે. ગઇકાલે બપોરના સમયે અર્પિતભાઈ તેમની જગુઆર કાર લઈને નારણપુરા ફેમિલી સલૂનમાં વાળ કપાવવા તેમજ પત્નીને ફેશિયલ માટે ગયા હતા.

     આ દરમિયાન તેમણે જીવન વિકાસ સોસાયટીના મકાન પાસે જાહેર રોડ પર તેમની જગુઆર કાર પાર્ક કરી હતી. બપોરના ત્રણ વાગ્યાની આસપાસ એક યુવકે સલૂનમાં આવીને કહ્યું કે, બહાર જગુઆર કાર કોની છે? આ કારનો કાચ તોડી કોઈ અંદરથી કંઈક લઇ ગયું છે. અર્પિતભાઈ અને તેમનાં પત્નીએ પાર્ક કરેલી જગુઆર કાર પાસે આવીને જોયું તો કારનો કાચ તૂટેલો હતો. અજાણ્યા શખ્સો જગુઆર કારનો કાચ તોડી અર્પિતભાઈની બેગમાં મૂકેલી ૩૦ હજારની રોકડ રકમ, એક્સિસ બેક્નની ચેકબુક, કેનેરા બેક્નની ચેકબુક, બેક્ન ઑફ બરોડાની ચેકબુક સહિત અગત્યના ડોક્યુમેન્ટની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બાબતે નારણપુરા પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. નારણપુરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા છે. જેમાં મોંઘીદાટ ગાડીનાં કાચ તોડીને કિંમતી માલ સામાનની ચોરીના બનાવો બન્યા છે.

(8:52 pm IST)