ગુજરાત
News of Friday, 26th February 2021

સુરતના વરાછામાં કારખાનામાં મજૂરી કામ માટે જતી બે સગી બહેનોની છેડતી કરી ધમકી આપનાર બે રોમિયો પોલીસના સકંજામાં

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીમાં લુમ્સના કારખાનામાં મજૂરીકામ માટે જતી બે સગી બહેનોની કારખાનાની બહાર ઉભા રહી છેડતી કર્યા બાદ ધમકી પણ આપનાર બે રોમિયોની વરાછા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછા વર્ષા સોસાયટીમાં રહેતી 21 અને 16 વર્ષની બે સગી બહેનો ઘર નજીક લુમ્સના કારખાનામાં મજૂરીકામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થાય છે. ગત બપોરે બે વાગ્યે બંને બહેનો અન્ય બે યુવતી સાથે કારખાનામાં જતી હતી ત્યારે સોસાયટીમાં કારખાનાની બહાર બાઈક સ્ટેન્ડ પર ચઢાવી બેસેલા વિશાલ જેઠવા તથા વિરભદ્ર વાળા ( બંને રહે. ખાતા નં.42-43, શિવાપાર્ક, વર્ષા સોસાયટીની સામે, વરાછા, સુરત ) એ બંને બહેનોની છેડતી કરી હતી તેમજ ગાળાગાળી કરી તેમના કપડા ફાડવાની પણ કોશિષ કરી હતીબંનેને બહેનોએ ઠપકો આપતા બંનેએ ધમકી પણ આપી હતી. બનાવ અંગે મોટી બહેને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને રોમિયોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(5:12 pm IST)