ગુજરાત
News of Friday, 26th February 2021

હિરાનગરી સુરતમાં અરવિંદ કેજરીવાલઃ ભવ્ય રોડ શો

સુરત મહાનગર પાલીકામાં ર૭ બેઠકો ઉપર જીત મેળવતા મતદારોનો આભાર માનવા : સવારે એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગતઃ સરકીટ હાઉસ ખાતે કાર્યકરો-વિવિધ સંગઠનોના આગેવાનો સાથે બેઠકોનો દૌર શરૃઃ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ

રાજકોટ, તા., ૨૬: હિરાનગરી સુરતમાં મહાનગર પાલીકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ કરેલો ઉત્કૃષ્ઠ દેખાવ અને ર૭ બેઠક ઉપર ઝળહળતો વિજય મેળવ્યો છે. ગુજરાત રાજયમાં નવા પક્ષના ઉદય અને ભાજપનો વિકલ્પ તરીકે લોકોએ મત આપતા દિલ્હીના મુખ્યમંત્રી આજે મતદારોનો આભાર માનવા સુરત આવી પહોંચ્યા છે.

આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સવારે ૮ કલાકે સુરત એરપોર્ટ પર પહોંચતા તથા તેમનું આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો જ્ઞાતિ મંડળોએ આવકાર્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એરપોર્ટ પરથી સીધા જ સરકીટ હાઉસ ખાતે પહોંચ્યા હતા ત્યાં આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરો અને સમર્થકો તેમજ પાટીદાર આગેવાનો ઉપરાંત ભાજપ-કોંગ્રેસથી નારાજ ઉદ્યોગકાર-વેપારીઓ પણ મળશે.

બપોરે ૩ કલાકે સુરતના વરાછાના મીનીબજાર, માનગઢ ચોકથી રોડ શો શરૂ થશે જે મીનીબજાર, હીરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, ક્રિષ્ના ચોક, યોગી ચોક, સીમાડાનાકા સરથાણા જકાતનાકા થઇને જનસભામાં પરીવર્તીત થશે.

ગુજરાતમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં આમ આદમી પાર્ટીને મતદારોનું મળેલ સમર્થન બાદ કેજરીવાલ આગામી વિધાનસભાની ચુંટણીનો રોડ મેપ તૈયાર કરે તેવી ચર્ચા ચાલે છે.

(11:38 am IST)