ગુજરાત
News of Wednesday, 26th February 2020

જળસંપત્તિ વિભાગના કામ માટે ૭૨૨૦ કરોડ અપાયા

સૌની યોજના માટે ૧૭૧૦ કરોડની ફાળવણી : સાબરમતી નદી ઉપર કુલ ૨૦૦ કરોડના ખર્ચના હિરપુરા અને વિલાસણા બેરેજ માટે ૬૦ કરોડની થયેલી જોગવાઇ

અમદાવાદ,તા. ૨૬ : સૌરાષ્ટ્ર વિસ્તાર માટે આશીર્વાદ સાબિત થયેલ સૌની યોજનાના પ્રથમ અને બીજા તબક્કાની અત્યાર સુધી પૂર્ણ થયેલ કામગીરીથી ૩૨ જળાશયો , ૪૮ તળાવો અને ૧૮૧ કરતાં વધુ ચેકડેમોમાં નર્મદાના પાણી ભરવામાં આવેલ છે . સૌની યોજનાનાં ત્રીજા તબક્કાના ૨૪૦૩ કરોડનાં પાંચ પેકેજના કામો પ્રગતિ હેઠળ છે. સૌની યોજના માટે રૂ.૧૭૧૦ કરોડની જોગવાઇ કરવા સાથે રાજયના  જળસંપત્તિ વિભાગની વિવિધ કામગીરી માટે રૂ.૭૨૨૦ કરોડની જોગવાઇ કરાઇ હોવાનું નાણાંમંત્રીએ જણાવ્યું હતું.  તેમણે વધુમાં ઉમેર્યું કે, ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા તેમજ ભૂગર્ભ જળ વ્યવસ્થાપનને ઉત્તેજન આપવા ભારત સરકારના સહયોગથી અટલ ભુજલ યોજના અમલમાં આવેલ છે. આ યોજના હેઠળ ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાના ૨૪ તાલુકાઓને પાંચ વર્ષના સમયગાળા માટે રૂ.૭૫૭ કરોડ ફાળવવાનું આયોજન કરેલ છે.

         ચેકડેમ, તળાવો નવા બનાવવા અને ઊંડા કરવા જેવા જળસંચય યોજનાઓના કામો માટે રૂ.૩૬૬ કરોડની જોગવાઇ કરાઇ છે. બનાસકાંઠા જિલ્લામાં થરાદથી સીપ ડેમ સધી પાઈપલાઈન નાખવાથી થરાદ,લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે ૬૦૦૦ હેક્ટર વિસ્તારને લાભ થશે. જેના માટે રૂ.૨૨૫ કરોડની જોગવાઈ કરાઇ છે. કચ્છમાં નર્મદાના પૂરના વધારાના પાણી દ્વારા સિંચાઈ સુવિધાઓ વધારવાનું આયોજન છે. આ યોજનાથી પ૭,૮૫૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ થશે. જેના માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. સાબરમતી નદી પર રૂ.૨૦૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હિરપુરા અને વિલાસણા બેરેજ માટે રૂ.૬૦ કરોડની જોગવાઇ કરાઇ છે. આ જ પ્રકારે પીયજથી ધરોઇ, ધાધૂંસણથી રેડલક્ષ્મીપુરા અને ખેરવા-વિસનગર યોજનાના કામો પૂર્ણતાના આરે છે, જેના માટે રૂ.૫૫ કરોડની જોગવાઇ થઇ છે.

નર્મદાના કામોને પૂર્ણ કરવા ૮૭૫૫ કરોડ

અમદાવાદ, તા. ૨૬ : ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનાર નર્મદા યોજનાથી થયેલ વિવિધ લાભોને લઇ નાણાંમંત્રીએ જણાવ્યું કે, આ યોજનાનો પૂર્ણ લાભ લેવા અને જરૂરી કામોને પૂર્ણ કરવા રૂ.૮૭૫૫ કરોડનું આયોજન છે. જેના અંતર્ગત મુખ્ય બંધના આનુષંગિક કામો , પુન : વસન તથા પર્યાવરણીય કામગીરી, ગરુડેશ્વર વિયર, ગોરા બ્રિજના બાંધકામ, પાવર હાઉસોની જાળવણી, કેનાલ ઓટોમેશનની કામગીરી, પ્રપ્રશાખા નહેરો સુધીના કામો તેમજ જમીન સંપાદન જેવા કામો કરવામાં આવશે. તો, નર્મદા બંધ પરથી ચોમાસા દરમિયાન ઉપલબ્ધ થનાર વધારાના પાણી પૈકી કચ્છને ૧ મિલીયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન છે. જે માટે કચ્છ શાખા નહેરની બાકીના કામો પૂર્ણ કરવા, દુધઇ પેટા શાખાના કામો અને તેની વિતરણ નહેરોના કામો હાથ ધરવા રૂ.૧૦૮૪ કરોડની જોગવાઇ આ બજેટમાં કરાઇ છે. તેમણે ઉમેર્યું કે, નર્મદા યોજનાના નહેર માળખાની મિયાગામ , વડોદરા, સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા ના ઉપર કુલ ૧૮ સ્થળોએ નાના વીજ મથકો બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ પૈકી ૮ વીજ મથક કાર્યરત થયેલ છે. બધા જ વીજ મથકો કાર્યરત થતાં કુલ બા ઉત્પાદન આશરે ૮૬ મેગાવોટ થશે. જે માટે રૂ.૯૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

(9:03 pm IST)