ગુજરાત
News of Thursday, 26th January 2023

વડોદરા નજીક શેરખી ગામે જમીન દસ્તાવેજ કરી પચાવી પાડવાના બનાવમાં 6 વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરાઃ વડોદરા નજીક શેરખી ગામની જમીન પચાવી પાડી તેનો બારોબાર દસ્તાવેજ કરી આપનાર ભેજાબાજ તેમજ નિવૃત્ત પોલીસ અધિકારીના ભાઇ સહિત છ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થતાં પોલીસે એકની અટકાયત કરી વધુ તપાસ શરૃ કરી છે.

મુંબઇમાં બી.જે.રોડ પર દત્તાણી પેલેસમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા સંજય કનુભાઇ પટેલે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે શેરખી ગામની સીમમાં સાત સર્વે નંબરોવાળી જમીન મયંક સાધુરામ પટેલ અને તેમના ભાઇ હિમાંશુ, પીસીત તેમજ નિલયના નામે સંયુક્ત નામે ચાલતી  હતી. તેઓ અમેરિકા રહેતા હોવાથી જમીનનો વહિવટ કરવા માટે સુભાષ બિહારીલાલ ભગતને સોંપ્યું  હતું. જ્યારે મયંક પટેલે પોતાની એક જમીનના વહિવટ માટે નવિન રતિલાલ પટેલ (રહે.વાસણારોડ)ને પાવર ઓફ એટર્ની આપી હતી.

આ પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરીને નવિને વર્ષ-૨૦૦૭માં રાજેન્દ્રસિંહ જાડેજાને ચાર સર્વે નંબરોની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો.  આ રકમ મયંક પટેલને મળી ન હતી અને બાદમાં સંયુક્ત ખાતે ચાલતી અન્ય એક જમીનનો દસ્તાવેજ નિવૃત્ત પોલીસ અધિકારીના ભાઇ તખુભા દાજીરાજ જાડેજાને કરી આપ્યો  હતો. દસ્તાવેજો થયા તે રદ કરવા માટે કોર્ટ કાર્યવાહી ચાલતી હતી તે સમયે દસ્તાવેજ કરી લેનાર રાજેન્દ્રસિંહનું મૃત્યુ થતાં તેમના વારસદારો જોડાયા હતાં. સુભાષભાઇ ભગત બહારગામ રહેતા હોવાથી મયંકભાઇ પટેલ તેમજ તેમના ભાઇઓની સંયુક્ત ખાતે ચાલતી જમીનના કામે હિમાંશુભાઇ અને મને પાવર ઓફ એટર્ની આપી હતી. નવિનભાઇએ પોતે ૧૫ વર્ષથી જમીનનો કબજો ધરાવે છે તેમ જણાવી કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો અને જમીન પચાવી પાડી હતી જે અંગે લેન્ડ ગ્રેબિંગ અંગે ફરિયાદ કરતા કમિટિ દ્વારા ફરિયાદ દાખલ કરવાની મંજૂરી મળી હતી. આ ગુનામાં પોલીસે નવિન પટેલની અટકાયત કરી વધુ તપાસ શરૃ કરી છે.

(5:11 pm IST)