ગુજરાત
News of Wednesday, 25th January 2023

વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારમાં નિવૃત આર્મી જવાનના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 84 હજારની મતા ચોરી રફુચક્કર

વડોદરા: શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલ જસ કોમ્પ્લેક્સમાં નિવૃત્ત આર્મી જવાનના બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલ અજાણ્યા તસ્કરો મુખ્ય દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશી મંદિર તથા તિજોરીમાંથી રૂપિયા 84 હજાર ઉપરાંતની કિંમતના સોના ચાંદીના ઘરેણા ચોરી ફરાર થયાનું બહાર આવ્યું છે.

શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલ જશ કોમ્પલેક્ષમાં રહેતા 57 વર્ષીય દેવેન્દ્રકુમાર શુક્લા આર્મીમાંથી નિવૃત્ત જીવન ગુજારે છે. 18 જાન્યુઆરીના રોજ તેઓની પત્ની ગુરગાંવ જવા નીકળી હતી. અને 20 જાન્યુઆરીના રોજ તેઓ પોતે મકાનને લોક કરી મિત્રો સાથે દ્વારકા કોડીનાર ગયા હતા. 22 જાન્યુઆરીના રોજ ઘરે એસી રીપેરીંગ માટે કર્મચારી પહોંચતા મકાનનો દરવાજો ખુલ્લો હોય ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા અજાણ્યા તસ્કરો મંદિર તથા તિજોરીમાંથી રૂ. 84,500ની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી ફરાર થયાનું બહાર આવ્યું હતું. ઉપરોક્ત બનાવ સંદર્ભે ફરિયાદના આધારે સમા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:47 pm IST)