ગુજરાત
News of Tuesday, 26th January 2021

રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટર શાહે જિલ્લા કક્ષાનુ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાષ્ટ્રના ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાજપીપળામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. ત્યારબાદ શાહે જિલ્લા પોલીસ અધિકારી હિમકરસિંહની સાથે પોલીસની ખૂલ્લી જીપમાં દેશભક્તિના ગીતો અને પોલીસ બેન્ડની મધુર સૂરાવલીની ધૂન વચ્ચે પોલીસ,હોમગાર્ડ, એસ.આર. ડી અને જી.આર.ડી સહિતની પ્લાટુનોની પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને આ પ્લાટુનોની માર્ચપાસ્ટની તેમણે સલામી ઝીલી હતી. મહાનુભાવો,જિલ્લાવાસીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરે પ્રજાસત્તાક પર્વના વધામણા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર  દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવાની સાથોસાથ મહાનુભાવોનું અભિવાદન પણ કર્યું હતું.
  જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આજની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન બાદ ઉપસ્થિત માનવ મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, દેશની આઝાદી અપાવવામાં રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીબાપુ, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સહિત અનેક નામી-અનામી રાષ્ટ્રપુરૂષો સહિત “ મા ભોમ ” કાજે શહીદી વહોરનારા આઝાદીના લડવૈયાઓ અને “ માં ભોમ ” ની આન-બાન અને શાનને બરકરાર રાખવા અને “ મા ” ભારતીની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોના પ્રતાપે આજે આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે મુક્ત છીએ.આ તમામ રાષ્ટ્રપુરૂષો તેમજ દેશના સ્વતંત્ર અખંડ ભારતના નિર્માતા રાષ્ટ્રના શહીદ સપૂતોને શ્રધ્ધા સૂમન અર્પણ કરી હ્રદય પૂર્વક અંજલી અર્પી હતી.
જિલ્લા કલેક્ટર શાહે સહુ દેશવાસીઓને મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવા સહભાગી બનવાની સાથે કટિબધ્ધ થઇ આજની આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા માટે સંકલ્પબધ્ધ થવાનું આહવાન કર્યું હતું.
આ પ્રસંગે રાજવી પરિવારના રઘુવિરસિંહજી ગોહિલ અને માનવેન્દ્રસિંહ ગોહિલ,પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણ ભાઇ તડવી, પૂર્વ સાંસદ રામસસિંહભાઇ રાઠવા, જિલ્લા પોલીસ અધિકક્ષક હિમકરસિંહ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ.ડીંડોર, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ,જિલ્લાના અગ્રણીઓ, સમાજિક- સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, શાળાના બાળકો, નગરજનો, જિલ્લાવાસીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન CRC નાનસિંગભાઇ વસાવાએ કર્યું હતું. ધ્વજવંદન સમારોહના અંતમાં જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ અને અન્ય મહાનુભાવોના હસ્તે ઉક્ત સંકુલમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું.

(10:24 pm IST)