વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં 22 વર્ષીય યુવાન પાડોશી 36 વર્ષીય પરિણીતાને લઈને ફરાર થઇ જતા પરિવારો બાખડ્યા
વડોદરા: શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ૨૨ વર્ષનો યુવાન અને ફળિયામાં રહેતી ૩૬ વર્ષની પરિણીતા બંને એકબીજાના પ્રેમમાં પડયા બાદ ભાગી જતા પરિણીતાના પરિવારજનોએ યુવકના ઘર પર હુમલો કરી ત્રણ શખ્સોને માર માર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે ગાજરાવાડીમાં સુએઝ પંપિગ રોડ પર આવેલી શીવનગર ખાતે રહેતા જમનાપ્રસાદ ગબ્બુપ્રસાદ બનીયા ઘર પાસે જ દિપક પ્રોવિઝન સ્ટોર નામે વ્યવસાય કરે છે. તેમના ૨૨ વર્ષના પુત્ર દિપકને મહોલ્લામાં રહેતી ૩૬ વર્ષની પરિણીતા શિતલ સાથે પ્રેમ સંબંધ થતા બંને વર્ષ-૨૦૧૮માં ઘેરથી જતા રહ્યા હતા જો કે ચાર દિવસ પછી બંને પોતાના ઘેર પરત આવી ગયા હતાં.
દરમિયાન તા.૨૦ના રોજ ફરી દિપક અને શિતલ બંને ઘેરથી જતા રહ્યા હતાં અને ચાર દિવસ થવા છતાં તેઓ ઘેર પરત નહી આવતા આખરે શિતલની બહેન તેમજ પરિવારના અન્ય સભ્યો જમનાપ્રસાદના ઘેર આવી શિતલને તારો છોકરો કેમ લઇ ગયો છે તેમ કહી ઝગડો કર્યો હતો અને હુમલો કરી લાકડીથી માર મારતા જમનાપ્રસાદ તેમની પત્ની ગુડ્ડીદેવી અને પુત્રી સુનીતાને ઇજા થઇ હતી. આ બનાવ અંગે જમાનપ્રસાદે પ્રતાપ ગણપત વણજારા, તેની પુત્રી પુજા, પુત્ર મહેશ અને પ્રકાશ ઉર્ફે કોચી સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.