ગુજરાત
News of Tuesday, 26th January 2021

તાલુકા સેવા સદન વિરમગામ ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

મદદનીશ કલેકટર સુરભી ગૌતમના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :૨૬ મી જાન્યુઆરી -૨૦૨૧ ને મંગળવારના રોજ ૭૨માં પ્રજાસત્તાક દિનની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આવેલા તાલુકા સેવા સદન ખાતે ૭૨માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આયોજિત ધ્વજ વંદન કાર્યક્રમમાં મદદનીશ કલેકટર સુરભી ગૌતમે ધ્વજ ફરકાવ્યો હતો.

 પ્રાસંગિક ઉદબોધનમાં સુરભી ગૌતમે ઉપસ્થિત સરકારી અધિકારીઓ, કર્મચારીઓ સહીત નગરજનોને પ્રજાસત્તાક પર્વ પર શુભકામનાઓ પાઠવી હતી અને પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા હોમગાર્ડઝ, બોર્ડર વિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના જવાનો કે જે માનદ સેવા આપી નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસના પૂરક બળ તરીકે ફરજો બજાવે છે તેઓની પ્રશંસનીય સેવાઓ જેવી કે , વ્યકિતગત હિંમત, શૌર્ય અને લાંબી વિશિષ્ટ સેવા બદલ પ્રતિ વર્ષે એવોર્ડ આપવામાં આવે છે.

 આ એવોર્ડ અંતર્ગત આ વર્ષે પણ કુલ ૪૨ અધિકારી / સભ્યોની લાંબી પ્રસંશનીય વિશિષ્ટ સેવા બદલ ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે. જે અંતર્ગત વિરમગામના હોમગાર્ડઝ કંપની કવાટર માસ્ટર રશમીનકુમાર પ્રમોદરાય રાવલની પસંદગી કરવામાં આવતા તેઓને વિરમગામ ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં મદદનીશ કલેકટર સુરભી ગૌતમના વરદ હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા

 અત્રે નોંધનીય છે કે તાલુકા સેવા સદનના મુખ્ય બિલ્ડીંગ તથા પ્રાંગણમાં તિરંગા થીમ પર રોશની કરવામાં આવી હતી. તિરંગા થીમની રોશનીના કારણે તાલુકા સેવા સદન ઝળહળી ઊઠ્યું હતું.

(11:44 am IST)