ગુજરાત
News of Tuesday, 26th January 2021

મેમનગરમાં ખુલ્લી જગ્યામાંથી મળેલ કપાયેલા માનવ પગ મામલે રહસ્ય પરથી પડદો ઉંચકાયો

સમગ્ર ઘટનામાં માનવીય ભૂલ : જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ

અમદાવાદ : મેમનગરની દિવ્યપથ સ્કૂલ સામે ખુલ્લી જગ્યામાંથી મળેલા કપાયેલા માનવ પગના રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. પોલીસ તપાસમા ભુયંગદેવની સનસાઈન હોસ્પિટલમાં ડાયાબિટીસના દર્દી ભુપેન્દ્ર શેઠનું ઓપરેશન કરી ડૉકટરે પગ કાપ્યો હતો. નિયમ મુજબ સ્મશાનમાં લઈ જઈ માનવ અંગનો નિકાલ કરવા દર્દીના પુત્ર હાર્દિક શેઠને ડૉકટરે કપાયેલો પગ આપ્યો હતો. પણ દર્દીના પુત્રે સફાઈ કામદારને કપાયેલા અંગના નિકાલ જવાબદારી સોંપી હતી. ઘાટલોડિયા પોલીસે આ અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે

બનાવની વિગત મુજબ ગત રવિવારે ઘાટલોડિયા પોલીસને કપાયેલો માનવ પગ મેમનગરની દિવ્યપથ સ્કૂલ સામે ખુલ્લી જગ્યામાં હોવાનો મેસેજ મળતા બપોરે સ્થળ પર પોલીસ ટીમ પહોંચી હતી. પોલીસ તપાસમાં પ્લાસ્ટિકના કોથળામાં કપાયેલો માનવ પગ અને મીઠું હતું. પોલીસે આ અંગે કપાયેલો માનવ પગ મળ્યાની નોંધ કરી હતી

પોલીસે એફએસએલની અધિકારીને સ્થળ બોલાવ્યા હતા. પ્રાથમિક અભિપ્રાયમાં કપાયેલો પગ ઓપરેશન કરી છૂટો કરવામાં આવ્યાનું એફએસએલએ જણાવ્યું હતું. ટીમને કપાયેલા પગ પર સર્જીકલ કટ માર્ક (મેડિકલ સાધનોથી પગ કાપ્યાના નિશાન) મળ્યા હતા. ડોગ સ્કોડની ટીમની પણ અન્ય માનવ અંગ ખેતરમા દાટયા કે ફેંકી દીધા હોય તો શોધવા માટે મદદ લેવાઈ હતી. જોકે કપાયેલા પગ સિવાય અન્ય કોઈ માનવ અંગ સ્થળ પરથી મળ્યા ન હતા.

 દરમિયાન ઘાટલોડિયા પોલીસની તપાસમાં ખૂલેલી વિગત મુજબ સોલા રોડ પર કાંકરિયા હનુમાન મંદિર બાજુમાં આવેલા પંચવટી એપાર્ટમેન્ટમાં રહેતા ભુપેન્દ્રભાઈ પરષોત્તમભાઈ શેઠ (ઉં,67)ના પગનું ઓપરેશન ભુયંગદેવની સનસાઈન હોસ્પિટલમાં ડૉકટર કૃણાલ સોલંકીએ કર્યું હતું. ભુપેન્દ્રભાઈને ડાયાબિટીસની બિમારી હતી. સપ્ટેમ્બર, 2020માં તેઓને પગે ઈજા થઈ અને રૂઝ આવવાની જગ્યાએ સડો થઈ જતા ડૉકટરે ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ ડૉકટરે ભુપેન્દ્રભાઈના પુત્રને કપાયેલો માનવ પગ આપ્યો હતો. નિયમ મુજબ ડૉક્ટર કપાયેલા અંગ સાથે લખાણ આપે બાદમાં દર્દીના સગાએ તે લખાણ અને કપાયેલું માનવ અંગ લઈ સ્મશાનમાં જવાનું હોય છે. તે જગ્યાએ કપાયેલા અંગનો નિકાલ થતો હોય છે. જોકે ભુપેન્દ્રભાઈના પુત્ર હાર્દિકે પિતાના અંગનો નિયમ મુજબ નિકાલ ના કર્યો અને સફાઈ કામદારને માનવ અંગ નિકાલ કરવા આપ્યું હતું.

સફાઈ કામદારે પ્લાસ્ટીક બેગમાં કપાયેલો પગ અને મીઠુ નાંખી દિવ્યપથ સ્કૂલ પાસે ઝાડીઓમાં ખાડો ખોડી બેગ દાટી દીધી હતી. બનાવ અંગે પોલીસે તમામના નિવેદન લઈ તપાસ શરૂ કરી છે. આ અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ ચાલુ હોવાનું એ ડિવિઝન એસીપી એમ.એ.પટેલે જણાવ્યું હતું

(12:15 am IST)