ગુજરાત
News of Tuesday, 26th January 2021

હવે ધો.9થી 12ના પ્રવેશની તારીખ હવે નહિ લંબાવાઈ: વિદ્યાર્થીઓને છેલ્લી તક

31 જાન્યુઆરી સુધીમાં પ્રવેશ આપવાની છેલ્લી તારીખ:કોવિડના કારણે ચાર વખત પ્રવેશની તારીખ લંબાવી હતી

અમદાવાદ : રાજયમાં કોવિડ 19ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજયના શિક્ષણ વિભાગ દ્રારા ધો. 9થી 12માં પ્રવેશ મેળવવા માટેની ચાર વખત તારીખ લંબાવી હતી. હવે વિદ્યાર્થીઓને છેલ્લી તક આપવામાં આવી છે. તે માટે તા.31 જાન્યુઆરી સુધી જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરીથી પ્રવેશ આપવાની છૂટ આપવામાં આવી છે. હવે પછી પ્રવેશ માટેની તારીખ લંબાવવામાં આવશે નહીં તેવી આજે જાહેરાત કરી છે.

   રાજ્યમાં કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતીને કારણે અમુક લોકો સ્થળાંતર કરી રહ્યા હતા. જેથી કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયા હતા. આ બાબતને ધ્યાનમાં લઇને રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓને શાળામાં 30 સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધી શાળા કક્ષાએ પ્રવેશ આપી શકાશે અને 31 ઓક્ટોબર સુધી જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરીથી પ્રવેશ આપી શકાશે તેવો નિર્ણય લીધો હતો.

દરમિયાન બોર્ડની કચેરીને મળેલી રજૂઆતને ધ્યાનમાં લઇને કોવિડ-19ની પરિસ્થિતિમાં ધોરણ-૯9 12ના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હોવાથી વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી, 2021 સુધી જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરી મેળવી શાળામાં પ્રવેશ આપી શકાશે તેવો નિર્ણય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો છે. બોર્ડ દ્વારા હવે પછી પ્રવેશની તારીખ લંબાવવામાં આવશે નહીં તેમ પણ જણાવાયું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક બી.એન. રાજગોરે રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે ચાર વખત મુદત લંબાવી આપવામાં આવી છે. હવે પ્રવેશની કામગીરી પણ શાળા કક્ષાએ પૂર્ણ થઇ ગઇ છે. જેથી હવે પછી પ્રવેશ માટેની તારીખ લંબાવવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને શાળાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવે છે. આ અંગેની જાણ તમારા તાબા હેઠળની તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓને કરી દેવાની સૂચના જારી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર 15 જૂનથી શરૂ થઇ જાય છે. દિવાળી પહેલાં કે પછી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે હજુ ડિસેમ્બર સુધી પ્રવેશની કામગીરી ચાલુ છે. સ્કૂલો કયારે શરૂ થશે તે બાબત હજુ અનિર્ણાયક પણ છે.

(11:43 pm IST)