ગુજરાત
News of Friday, 25th December 2020

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા: દારૂનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો

વડોદરા:બુધવારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પાણીગેટ વિસ્તારમાં દરોડો પાડી દારૂનું વેચાણ કરી રહેલા એક શખ્સને ઝડપી પાડયો હતો. દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂનો જથ્થો રોકડા રૂપિયા અને મોબાઇલ ફોન મળી 21,000 ઉપરાંતની મત્તા કબજે કરી. આરોપીની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી હતી જ્યારે અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

બુધવારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને પાણીગેટ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ વાઘોડિયા રોડ પાસે પ્રારંભ બી કોમ્પ્લેક્સમાં રવિ ધોબી નામનો વ્યક્તિ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખસને ઝડપી પાડયો હતો. પોલીસની પૂછતાછમાં તેણે પોતાનું નામ હાર્દિક પંકજભાઈ પંડ્યા (રહે- સુરભી પાર્ક સોસાયટી ,વાઘોડિયા રોડ ,વડોદરા )હોવાનું જણાવ્યું હતું. તપાસ કરતાં તેની પાસેથી રોકડા રૂપિયા 4960 તથા મોબાઇલ ફોન મળી આવ્યો હતો. અને આ દારૂનો જથ્થો હું તથા દિપક વસાવા (રહે -વાઘોડિયા રોડ, વડોદરા) ભેગા મળીને વેચાણ કરતા હોય આ દારૂનો જથ્થો રવિભાઈ શ્યામભાઈ ધોબી અને આશિષ પટેલ ( બને રહે-  મહેશ કોમ્પલેક્ષ, વાઘોડિયા રોડ, વડોદરા) પૂરો પાડે છે તેવી કબૂલાત કરી હતી. દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 11780ની કિંમત ધરાવતા 72 નંગ વિદેશી દારૂની નાની મોટી બોટલો/ ટીન અને પાઉચ તથા રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન સહિત 21740ની મત્તા કબજે કરી હતી.

(4:58 pm IST)