ગુજરાત
News of Thursday, 24th November 2022

દિલ્‍હી ભાજપના સાંસદ મનોજ તિવારીએ અમદાવાદમાં આપ અને કોંગ્રેસના નેતાઓને આડે હાથ લઇ કર્યા આકરા પ્રહારો

અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં વધારો કરો, ક્‍યાંક તેમને કોઇ ના મારેઃ મનોજ તિવારી

અમદાવાદઃ ભાજપના નેતા અને સ્‍ટાર પ્રચારક મનોજ તિવારીએ અમદાવાદમાં આપ અને કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. આપના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના કનૈયા કુમાર ઉપર કટાક્ષ કર્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સ્ટાર પ્રચારકો પોતાના અંદાજમાં ભાષણ આપીને વાર પ્રતિવાર કરી રહ્યા છે. ત્યારે દિલ્હી ભાજપના સાંસદ મનોજ તિવારી ચૂંટણી પ્રચાર માટે અમદાવાદ આવ્યા છે. મંગળવારે તેમણે બાપુનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહન સમર્થનમાં પ્રચાર કર્યો હતો. તે દરમિયાન તેમણે પોતાનો અલગ અંદાજ પણ રજૂ કર્યો હતો.

દિલ્હી ભાજપના સાંસદે AAP પર કર્યા પ્રહારો

દિલ્હી ભાજપના સાંસદ મનોજ તિવારીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વિધાયકને માર્યો આ ઘટનામાં 2 કરોડ લઈને ટિકિટ વેચતા જેને ટિકિટ ન મળી એણે માર્યા હતો. હું ટીકા નથી કરતો હું કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીને કહું છું કે અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં વધારો કરે, ક્યાંક તેમને કોઈ ના મારે. 

મનોજ તિવારીએ કોંગ્રેસને આડે હાથ લીધી

મનોજ તિવારીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની સાથે આજે કનૈયા કુમાર ફરી રહ્યા છે, જેમણે JNUમાં નારા લગાવ્યા. જે આજે કોંગ્રેસમાં સૌથી નજીકનો દોસ્ત કનૈયા કુમારને બનાવ્યો છે. આમની પાસે જો કોઈ અધિકારી આવશે તો દેશને તોડવાનો અને લુંટવાનો પ્રયાસ કરશે. 

મનોજ તિવારી મંગળવારે બાપુનગરમાં ગજવી હતી સભા

દિલ્હીના સાંસદ અને ભાજપના સ્ટાર પ્રચારક મનોજ તિવારીએ જણાવ્યું હતું કે, બાપુનગરમાં લોકોના આશીર્વાદ મળ્યા છે. તે રીતે અમારા ઉમેદવાર ભારે મતોથી જીત મેળવશે. આજે સવારે હું અમદાવાદ આવ્યો ત્યાંથી બરોડા ગયો અને ત્યાં ત્યારબાદ ડભોઇ ગયો અને ડભોઇથી બાપુનગર આવ્યો છું. ત્યારે લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હવે લોકોને વિશ્વાસ થઈ ગયો છે કે, ભાજપે સેવા કરી કરીને સેવક ભાવ ઊભો કર્યો છે અને અન્ય કોઈ આને ટચ પણ કરી શકે તેમ નથી. જ્યારે વર્ષ 2017માં આવેલા પરિણામ 2022માં અલગ હશે અને 2017ના પરિણામ કરતા 30થી 35 બેઠકો જીતમાં ઉમેરો થશે.

તેમણે ઉમેર્યું હતું કે, કોરોના કાળમાં પણ બાપુનગરના ધારાસભ્ય ક્યાંય જોવા મળ્યા નહતા, પરંતુ અમે ભેગા મળીને એક આખી હોસ્પિટલ શરૂ કરી હતી અને લોકોને સારવાર પણ આપી હતી. જ્યારે કોરોના કાળમાં લોકોને ખાવાની સુવિધા, હોસ્પિટલની સુવિધા પણ શરૂ કરી હતી અને લોકોની સેવા કરી હોવાનું નિવેદન આપ્યું હતું. 

(6:06 pm IST)