ગુજરાત
News of Thursday, 24th November 2022

‘ચૂંટણીનો ચમકારો રોજ કરે પૈસામાં ધમકારો...': મોરબીના લોકસાહિત્‍યકાર હકાભા ગઢવીનો ચૂંટણી ઉપર કટાક્ષ કરતો વીડિયો વાયરલ

હાસ્‍ય કલાકારે ચૂંટણી સમયે થતી પૈસાની રેલમછેલ વિશે નેતાઓની નફફટાઇને શબ્‍દોમાં વર્ણવી

અમદાવાદઃ મોરબીના લોકસાહિત્‍યકાર હકાભા ગઢવીએ ચૂંટણીને લઇ કટાક્ષ કરતો વીડિયો વાયરલ કર્યો છે. ‘ચૂંટણીનો ચમકારો રોજ કરે પૈસામાં ધમકારો' કહીને નેતાઓની નફફટાઇને ઉજાગર કરી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ પાર્ટીઓ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ડૉર-ટૂ-ડૉર કેમ્પેઈન કરીને પોતાને મત આપવાની અપીલ કરી રહ્યાં છે, બીજી તરફ ત્રણેય પાર્ટીઓના સ્ટાર પ્રચારકો સભા ગજવી રહ્યાં છે. એવામાં ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હોય તેમ કટાક્ષ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મોરબી જિલ્લાના લોકસાહિત્યકાર હકાભા ગઢવીનો ચૂંટણીને લઇ કટાક્ષ કરતો વીડિયો વાયરલ થયો છે. તેમણે એક વીડિયોમાં ચૂંટણીને લઈ કટાક્ષ કરતા લલકાર્યું છે કે 'ચૂંટણીનો ચમકારો રોજ કરે પૈસામાં ઘમકારો.. આયો ચૂંટણીનો ચમકારો' આ જોરદાર વાઈરલ થઈ રહ્યું છે. હાસ્ય કલાકાર હકાભા ગઢવી ચૂંટણી સમયે થતી પૈસાની રેલમ છેલ અને નેતાઓની નફ્ફટાઈ વિશે વર્ણન કરી રહ્યાં છે. જે હકુભા પોતાના વીડિયોમાં જણાવી રહ્યાં છે.

“ચૂંટણીનો ચમકારો રોજ કરે પૈસામાં ઘમકારો, આયો ચૂંટણીનો ચમકારો

5 વર્ષે પગે લાગે ને પછી નેતા સુવે ને જનતા જાગે, આયો ચૂંટણીનો ચમકારો

નાત-જાતના વાડા કરેને પછી સમાજમાં થાય તકરારો, આયો ચૂંટણીનો ચમકારો

તૈણ પક્ષ, ચોથો પક્ષ એમાં કોઈનો નથી ઈજારો, આયો ચૂંટણીનો ચમકારો

પારકાને એ પોતાના ગણે પછી જવાબ આપે નહીં સારો, આયો ચૂંટણીનો ચમકારો

હું સમજુ છું, તમે પણ સમજજો, નેતા ચૂંટજો સારો, આયો ચૂંટણીનો ચમકારો”

મહત્વનું છે કે, ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો આવેલી છે. રાજ્યમાં આ વખતે 2 તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

(6:06 pm IST)